23 June, 2024 07:02 PM IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
તસવીર: ઇન્સ્ટાગ્રામ
Yoga In Golden Temple: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કર્યો હતો. અર્ચના મકવાણાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર યોગ કરતાં તેનો ફોટો પોસ્ટ કર્યો અને ફોટો વાયરલ થયો હતો. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (SGPC)ને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગઈ હતી.
આ અંગે સખત વાંધો વ્યક્ત કરતાં SGPCએ અર્ચના મકવાણા સામે કેસ નોંધ્યો છે. દરમિયાન હંગામા પછી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છોકરી અર્ચના મકવાણાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે માફી માગી છે. તેણે લખ્યું છે કે, તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો, પરંતુ તેમ છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માફી માગે છે.
`નામના મેળવવા માટે શ્રી દરબાર સાહેબમાં યોગ કર્યા`
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરી અર્ચના મકવાણા શ્રી દરબાર સાહિબ અમૃતસરમાં યોગ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે શીર્ષાસન કરતી જોવા મળી રહી છે. જ્યારે શ્રી દરબાર સાહિબની પરિક્રમા કરતી વખતે યોગ કરવાનો મામલો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ સુધી પહોંચ્યો ત્યારે હોબાળો થયો હતો. શિરોમણી કમિટિનું કહેવું છે કે, લોકો અહીં સંપૂર્ણ ભક્તિભાવથી નમન કરે છે, પરંતુ એક યુવતીએ આ પવિત્ર સ્થળ પર લગભગ એક કલાક સુધી યોગ કર્યા છે, જેના કારણે સંગતની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
સમિતિએ કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે યુવતીએ શ્રી દરબાર સાહિબમાં માથું નમાવ્યું ન હતું, તે માત્ર પ્રખ્યાત થવા માટે સચખંડ શ્રી દરબાર સાહિબમાં યોગના આસનો કરી રહી હતી. શિરોમણિ સમિતિએ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરજ પરના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
શિરોમણી સમિતિએ કહ્યું કે, છોકરીએ પોસ્ટ કરીને માફી માગી હોવા છતાં આ લોકો પહેલા ભૂલ કરે છે અને પછી માફી માગે છે. દરમિયાન પરિક્રમામાં ફરજ પરના ત્રણ સેવાદાર ભાઈ ગગનપાલ સિંહ, ભાઈ હરજિંદર સિંહ અને ભાઈ પલવિંદર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ મામલે તેમનો પક્ષ જાણવા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે હાલમાં કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
કોણ છે અર્ચના મકવાણા?
અર્ચના મકવાણા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તે હાઉસ ઓફ અર્ચના નામથી પોતાની બ્રાન્ડ ચલાવે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ઘણા ફોલોઅર્સ છે. તે ટ્રાવેલ વ્લોગર પણ છે.