18 August, 2025 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શશી થરૂર
કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે કેરલામાં ૧૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી મનાવવામાં આવનારી હોવાથી સવાલ ઉઠાવ્યો છે. તેમણે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં પૂછ્યું હતું કે જ્યારે સમગ્ર દેશમાં જન્માષ્ટમી ૧૬ ઑગસ્ટે ઊજવવામાં આવી હતી તો પછી કેરલામાં ૬ અઠવાડિયાં પછી કેમ ઊજવવામાં આવશે? જ્યારે કેરલાના લોકો સાથે મળીને ક્રિસમસ ઊજવે છે તો પછી જન્માષ્ટમી પર ભેદભાવ કેમ? શું કોઈ મને કહી શકે છે કે આવું કેમ છે? એ વાત ચોક્કસ છે કે ભગવાનનો જન્મ બે અલગ-અલગ તારીખે થઈ શકતો નથી, એક વાર હમણાં અને એક વાર છ અઠવાડિયાં પછી. શું એવું ન થઈ શકે કે એક ધર્મના બધા અનુયાયીઓ બધા તહેવારો સાથે મળીને ઊજવી શકે?
મલયાલમ કૅલેન્ડર મુજબ આ વર્ષે જન્માષ્ટમી ૧૪ સપ્ટેમ્બરે રવિવારે ઊજવવામાં આવશે.
અગાઉ શશી થરૂરે એક વિડિયો શૅર કર્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણની સલાહ વિશે વાત કરી હતી. સામાન્ય રીતે અંગ્રેજીમાં બોલતા શશી થરૂરે હિન્દીમાં બોલતાં કહ્યું હતું કે ભારતીય રાજકારણ અને નેતાઓ મહાભારત, ભગવદ્ ગીતા અને ભાગવત પુરાણમાંથી શું શીખે છે? મને લાગે છે કે ધર્મ સૌથી ઉપર છે. શ્રીકૃષ્ણએ તેમના જીવનભર ધર્મ જાળવવા માટે સંઘર્ષ કર્યો. તેમનું અંતિમ લક્ષ્ય ધર્મ સ્થાપિત કરવાનું અને દુષ્ટોને સજા કરવાનું છે.