23 December, 2025 09:27 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સોનમર્ગમાં એક ફુટ બરફ પડ્યો હતો.
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં અતિશય શીતળ લહેર ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે બરફવર્ષા શરૂ થઈ છે. ઠંડીને કારણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. રવિવાર અને સોમવારે સતત બે દિવસ સુધી કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં એક ફુટ સુધીની બરફવર્ષા થઈ હતી. હજી ૨૪ કલાક બરફવર્ષા ચાલુ રહેશે એવી મોસમ-વિભાગે ચેતવણી આપી છે. બરફવર્ષાને કારણે હવે કાશ્મીરને જોડતા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. ગઈ કાલે શ્રીનગરમાં ખરાબ વેધરને કારણે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૧૫ ફ્લાઇટ્સ કૅન્સલ કરવી પડી હતી. હિમાચલ પ્રદેશના લાહોલ, મનાલી પર તાપમાન ૪ ડિગ્રી ઘટી ગયું છે. શિંકુલા, ઝંસ્કાર વૅલી અને રોહતાંગ પાસ પર પણ બરફ પડવાનું શરૂ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા શરૂ થઈ છે અને બરફીલી હવા હવે આસપાસનાં રાજ્યોને ઠંડાંગાર બનાવી રહી છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં તાપમાન સતત નીચું જઈ રહ્યું છે અને ઠંડીને કારણે ધુમ્મસ છવાયું હતું. હરિયાણા અને રાજસ્થાનમાં વિઝિબિલિટી ૩૦ મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. મોસમ વિભાગ અનુસાર આજે પણ મોસમમાં ખાસ સુધારો થવાની સંભાવના નથી.