નોવાવૅક્સની બાળકો પર ટ્રાયલ્સ જુલાઈથી

18 June, 2021 01:30 PM IST  |  New Delhi | Agency

એન્ટી કોવિડ વૅક્સિન નોવાવૅક્સની બાળકો પર ટ્રાયલ્સ આવતા જુલાઈ મહિનામાં શરૂ થનાર હોવાનું સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા કંપનીએ જણાવ્યું હતું.

વૅક્સિન નોવાવૅક્સ

એન્ટી કોવિડ વૅક્સિન નોવાવૅક્સની બાળકો પર ટ્રાયલ્સ આવતા જુલાઈ મહિનામાં શરૂ થનાર હોવાનું સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા કંપનીએ જણાવ્યું હતું. અમેરિકાની કંપની નોવાવૅક્સની વૅક્સિન કેન્ડિડેટની નવી આવૃત્તિ કોવાવૅક્સ સપ્ટેમ્બર મહિના સુધીમાં ભારતના બજારમાં મૂકવા ઇચ્છે છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે મેન્યુફેક્ચરિંગ એગ્રીમેન્ટ ધરાવતી નોવાવૅક્સ કંપનીએ કોવાવેક્સની સામાન્ય અસરકારકતા ૯૦.૪ ટકા અને કેટલાક વૅરિયન્ટ્સ પર ૯૩ ટકા હોવાનો દાવો કર્યો હતો. કંપનીએ ત્રીજા તબક્કાના ટ્રાયલ્સમાં વેક્સિન કેન્ડીડેટ  ‘NVX-CoV2373’ કોરોના સામે ૧૦૦ ટકા રક્ષણ આપતી હોવાનું જણાવ્યું હતું.  

વૅક્સિનની પસંદગીની ઝંઝટમાં ન પડો, જે મળે એ લઈ લો...
હવે એક પછી એક નવી ઍન્ટિ કોવિડ વૅક્સિન્સ બજારમાં આવી રહી છે ત્યારે લોકો કઈ વૅક્સિન સૌથી સારી છે, એની પૂછપરછ તબીબી નિષ્ણાતોને કરી રહ્યા છે. એ બાબતે પીટર ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ઍન્ડ ઇમ્યુનિટીના પોસ્ટ ડૉક્ટરલ રિસર્ચર્સ વેન શી લી અને હ્યોન શી તાન કહે છે કે ‘દરેક વૅક્સિનની વિશિષ્ટ અસરકારકતા નોંધાઈ છે. ક્લિનિકલ ટ્રાયલ્સની પણ મર્યાદા હોય છે. એથી સ્થાનિક ધોરણે જે રસી ઉપલબ્ધ હોય એ લઈ લેવામાં ડહાપણ છે.’ ગંભીર બીમારી સામે રક્ષણ આપે એ સારી વૅક્સિન? કોરોના વાઇરસનો કોઈ પણ વેરિઅન્ટનો પ્રતિકાર કરી શકે એ રસી સારી ગણાય? જે રસીના ઓછા બૂસ્ટર ડોઝ લેવા પડે એ વૅક્સિન? વયજૂથ-એજ ગ્રુપને અનુકૂળ ધારાધોરણો પ્રમાણે વૅક્સિન પસંદ કરવી? એવા લોકોના સવાલોના જવાબમાં નિષ્ણાતો કહે છે કે ‘વૅક્સિન્સના ક્લિનિકલ ડેટાની જાણકારી મેળવવી સારી છે, પરંતુ આરોગ્યના નિષ્ણાતો જેની ભલામણ કરે એ રસી લઈ શકાય. સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત વ્યક્તિની હેલ્થ-મેડિકલ કન્ડિશન પ્રમાણે ફૅમિલી ડૉક્ટર જેની ભલામણ કરે એ વૅક્સિન પસંદ કરી શકાય. આમ તો ફાઇઝરની વૅક્સિન ૯૫ ટકા અસરકારક હોવાનું અને ઍસ્ટ્રાઝેનેકા તથા અન્ય રસીઓ ૬૦થી ૯૦ ટકા અસરકારક હોવાનું નોંધાયું છે.’

દેશમાં ઍક્ટિવ કેસ ૨.૭૮ ટકા
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના ૬૭,૨૦૮ નવા કેસ નોંધાતાં કોવિડ સંક્રમિતોનો આંકડો ૨,૯૭,૦૦,૩૧૩ થયો હતો, જે દેશમાં એક દિવસમાં કુલ ૩૮,૬૯૨ કેસનો ઘટાડો થયો હોવાનું સૂચિત કરે છે. લગભગ ૭૧ દિવસ પછી ઍક્ટિવ કોવિડ કેસનું પ્રમાણ ૮,૨૬,૭૪૦ છે,  જે કુલ કેસલોડના માત્ર ૨.૭૮ ટકા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું. ગયા એક દિવસમાં ૨૩૩૦ પેશન્ટ્સનાં મૃત્યુ સાથે દેશમાં કોવિડ-19થી થયેલાં મૃત્યુનો આંક ૩,૮૧,૯૦૩ પહોંચ્યો હોવાનું તેમ જ રિકવરી રેટ ૯૫.૯૩ ટકા થયો હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું.

national news new delhi coronavirus covid vaccine vaccination drive covid19