જજોની નિમણૂકની પ્રક્રિયાના મામલે સુપ્રીમે કેન્દ્ર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો

29 November, 2022 10:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અદાલતે કોલેજિયમ સિસ્ટમ વિશેની કાયદાપ્રધાનની કમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે જજોની નિમણૂક માટેની કોલેજિયમ સિસ્ટમ વિશેની કેન્દ્રીય કાયદાપ્રધાન કિરેન રિજિજુની તાજેતરની કમેન્ટ સામે ગઈ કાલે વાંધો ઉઠાવ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે એમ નહોતું બનવું જોઈતું. અદાલતે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાતા વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

જજોની નિમણૂક માટેની સિસ્ટમની ​રિજિજુ દ્વારા કરવામાં આવેલી ટીકા વિશે અદાલતે કહ્યું હતું કે ‘ઉચ્ચ પદે રહેલી કોઈ વ્યક્તિ આમ કહે છે, એમ નહોતું બનવું જોઈતું.’ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂકની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારની ખાસ ભૂમિકા નથી ત્યારે રિજિજુએ એ બાબતે પોતાનો અસંતોષ છુપાવ્યો નહોતો. તેમણે એમ કહીને આ પ્રક્રિયાની ટીકા કરી હતી કે કોલેજિયમ સિસ્ટમ બંધારણને બિલકુલ અનુરૂપ નથી. 

જોકે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમ એ કાયદાકીય પ્રક્રિયા છે અને કેન્દ્ર સરકારે કાયદાનું પાલન કરવું રહ્યું.  

કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવેલાં નામોને મંજૂરી ન આપવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી. 

અદાલતે ઍટર્ની જનરલ અને સૉલિસિટર જનરલને આ મામલે ભૂમિકા ભજવીને સરકારને સલાહ આપવા જણાવ્યું હતું. જેથી કાયદાનું પાલન થાય. 

અદાલતે વધુ જણાવ્યું હતું કે કોલેજિયમ દ્વારા પ્રસ્તાવિત જજોની નિમણૂક પર વિચાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા મહિનાઓનો વિલંબ કરવામાં આવી રહ્યો છે. 

કોલેજિયમ વિરુદ્ધની કાયદાપ્રધાનની કમેન્ટના સંબંધમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલે કહ્યું હતું કે ‘ક્યારેક મીડિયા રિપોર્ટ્સ ખોટા હોય છે.’ જસ્ટિસ કૌલે કહ્યું હતું કે ‘મેં તમામ પ્રેસ​ રિપોર્ટ્‍સને અવગણ્યા છે, પરંતુ આ વખતે ઉચ્ચ પદે રહેલી વ્યક્તિએ કમેન્ટ કરી છે અને એ પણ ઇન્ટરવ્યુમાં, હું બીજું કંઈ કહેતો નથી, જો અમારે કંઈ કહેવું હોય તો અમે નિર્ણય લઈશું.’
કોલેજિયમ વાસ્તવમાં જસ્ટિસની નિમણૂક અને ટ્રાન્સફર માટેની સિસ્ટમ છે. કોલેજિયમનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને એમાં ચાર અન્ય સિનિયર જસ્ટિસ પણ સામેલ હોય છે. કોલેજિયમની ભલામણો વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને તેમની મંજૂરી મળ્યા બાદ જ નિમણૂક કરવામાં આવે છે. 

national news delhi news supreme court indian government new delhi