દવાની આખા પાનાની ઍડ આપતા હતા એવડી જ છે તમારી માફીની જાહેરાત?

24 April, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે દેશનાં ૬૭ ન્યુઝપેપરોમાં પ્રકાશિત થઈ હતી માફીની જાહેરાત : તમામ પેપરનાં કટિંગ રજૂ કરવાનો આદેશ : આગામી સુનાવણી ૩૦ એપ્રિલે થશે ઃ ભ્રામક જાહેરાતો બાબતે કેન્દ્ર સરકારનો પણ માગ્યો જવાબ

ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને એક હિન્દી અખબારમાં તેમણે આપેલી માફીની `ટચૂકડી` જાહેરાત.

ભ્રામક જાહેરાતોના કેસમાં યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મૅનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને જણાવ્યું હતું કે ભ્રામક જાહેરાતો બાબતે અમારાથી થયેલી ભૂલો માટે અમે દેશનાં ૬૭ ન્યુઝપેપરોમાં બિનશરતી માફી પ્રકાશિત કરી દીધી છે. જ​સ્ટિસ હિમા કોહલી અને જ​સ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે બાબા રામદેવ અને બાલકૃષ્ણના વકીલને પ્રકાશિત થયેલા માફીનામાના રેકૉર્ડ બે દિવસમાં કોર્ટમાં સુપરત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની માફીનો સ્વીકાર કર્યો નથી અને આ કેસમાં હવે સુનાવણી ૩૦ એપ્રિલના રોજ થશે એમ જણાવ્યું હતું.

રામદેવ અને બાલકૃષ્ણના ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ માફીના નવા સેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે, બીજી તરફ ૧૦ લાખ રૂપિયાના ખર્ચે ૬૭ ન્યુઝપેપરોમાં માફીની જાહેરાત પણ પ્રકાશિત કરી છે.

જોકે આ સમયે કોર્ટે તેમને પૂછ્યું હતું કે શું માફીની જાહેરાત ન્યુઝપેપરમાં પ્રૉમિનન્ટ પ્રકાશિત થઈ છે કે નહીં, તમે દવાની જે આખા પેજની જાહેરાતો કરો છો એવડી જ છે કે નહીં? એવું ન બને કે અમારે જાહેરાત જોવા માટે માઇક્રોસ્કોપ લેવું પડે.

કોર્ટે કહ્યું હતું કે અમને એક અરજી મળી છે જેમાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) પર ૧૦૦૦ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. જોકે આ મુદ્દે મુકુલ રોહતગીએ કહ્યું હતું કે એની સાથે અમને લેવાદેવા નથી.

સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ત્રણ વાત

પતંજલિ આયુર્વેદ સામે કેસ કરનારી IMAને પણ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઍલોપથી ડૉક્ટરો દરદીઓને મોંઘી અને અનાવશ્યક દવાઓ લખી આપે છે, સવાલ તમારી સામે પણ ઊઠે છે, તમારો મત સ્પષ્ટ કરો.

ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ શિશુ, સ્કૂલમાં જતાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરનારી પ્રોડક્ટ્સની જાહેરાતો પ્રકાશિત કરીને જનતા સાથે દગો કરી રહી છે. કોર્ટ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લાઇસન્સિંગ અધિકારીઓને આ મામલે પક્ષકાર બનવા જણાવે છે.

ભ્રામક જાહેરાતો બાબતે કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં શું કાર્યવાહી કરી એનો રિપોર્ટ કેન્દ્ર સરકાર એક ઍફિડેવિટ દ્વારા કોર્ટને જણાવે. કોર્ટે કહ્યું કે અમે શિશુ, બાળકો, મહિલાઓને પણ જોઈ રહ્યા છીએ અને કોઈને પણ ભ્રમિત કરી શકાય નહીં, કેન્દ્ર સરકારની પણ આંખ ખોલવી પડશે.

 

national news supreme court baba ramdev india