દેશમાં દર ત્રીજી વ્યક્તિ હૃદય સંબંધિત રોગથી મૃત્યુ પામી રહી છે

12 September, 2025 07:49 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં બહાર પડેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં પંદરથી ૨૯ વર્ષના વયજૂથમાં આત્મહત્યા મૃત્યુનું સૌથી મોટું કારણ છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દેશમાં દર વર્ષે થતાં મૃત્યુમાં હવે હૃદય સંબંધિત બીમારીઓ સૌથી મુખ્ય કારણ બનીને સામે આવ્યું છે. અગાઉ તો હૃદયરોગને વધતી ઉંમર સાથે થતા રોગ તરીકે જોવામાં આવતો હતો, પણ હવે તો નાની ઉંમરમાં પણ હૃદયના રોગોનું પ્રમાણ વધી ગયું છે. દર વર્ષે લાખો લોકો અને મોટા પ્રમાણમાં યુવાઓ પણ હૃદયરોગને લીધે મૃત્યુ પામી રહ્યા છે.

રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા હેઠળ સૅમ્પલ સર્વે દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેનાં પરિણામો ચોંકાવનારાં છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યારે પ્રત્યેક ત્રીજું મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યું છે. લગભગ ૩૧ ટકા લોકોનાં મૃત્યુ માટે હૃદય સંબંધિત બીમારીઓ જવાબદાર છે. દેશમાં થતાં તમામ મૃત્યુમાં હૃદયરોગ સૌથી મુખ્ય કારણ બની ગયું છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હૃદયરોગ ઉપરાંત ચેપી રોગ, માતૃસ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, પ્રસવ સમયની અને પોષણની સમસ્યા વગેરે ૨૩.૪ ટકા મૃત્યુ માટે કારણભૂત છે; જ્યારે શ્વસન-સંક્રમણ ૯.૩ ટકા લોકોનાં મૃત્યુનું તેમ જ શ્વાસ સંબંધિત રોગો ૫.૭ ટકા લોકોનાં મૃત્યુનું કારણ બન્યા છે. યુવાનોમાં આપઘાતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. પંદરથી ૨૯ વર્ષના લોકોનાં મૃત્યુ માટે આત્મહત્યા સૌથી મોટું કારણ બની ગયું છે. આ ઉપરાંત ઈજા થવાને કારણે થનારાં મૃત્યુની ટકાવારી ૯.૪ ટકા છે, જ્યારે અસ્પષ્ટ કારણોસર મૃત્યુનું પ્રમાણ પણ ૧૦.૫ ટકા છે, જેમાં મોટા પ્રમાણમાં મોટી ઉંમરના લોકોનાં વધતી ઉંમરને લીધે થયેલાં મૃત્યુને પણ આવરી લેવામાં આવેલાં જોવા મળે છે.

મૃત્યુનું કારણ            ટકાવારી
હૃદય સંબંધિત રોગો    ૩૧
પ્રસવ-પોષણ સંબંધિત સમસ્યા    ૨૩.૪
શ્વસન સંક્રમણ    ૯.૩
શ્વાસ સંબંધિત રોગ    ૫.૭
પાચનતંત્રના રોગ    ૫.૩
તાવ    ૪.૯
ડાયાબિટીઝ    ૩.૫

national news india heart attack healthy living health tips suicide