06 August, 2025 10:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રેખા ગુપ્તા, જયા બચ્ચન
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચનની ઑપરેશન સિંદૂર સંબંધિત કમેન્ટનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘એક ચુટકી સિંદૂર કી કીમત આપ ક્યા જાનો જયા મૅડમ? આપ તો ફિલ્મોં કી દુનિયા જાનતી હૈં, દેશ કી સચ્ચાઈ નહીં.’
સંસદમાં ઑપરેશન સિંદૂર વિશેની ચર્ચામાં ભાગ લેતાં જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું કે ‘તમે જે લેખકોને ભાડે રાખ્યા છે તેમના માટે હું તમને અભિનંદન આપીશ. તમે ભવ્ય નામ આપો છો. તમે એનું નામ ‘સિંદૂર’ કેમ રાખ્યું? ટૂરિસ્ટોની પત્નીઓના માથેથી સિંદૂર તો ઊજડી ગયું, પછી નામ સિંદૂર શા માટે આપ્યું?’
આ મુદ્દે દિલ્હી વિધાનસભામાં રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘તેઓ (વિપક્ષો) પોતાની સેના અને પોતાના વડા પ્રધાન પર વિશ્વાસ નથી કરતા, પરંતુ વિદેશી દેશો પર વિશ્વાસ કરે છે. પહલગામમાં થયેલા હુમલામાં ઘણી મહિલાઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા તેથી ઑપરેશન સિંદૂર પાકિસ્તાનને યોગ્ય જવાબ હતો. વડા પ્રધાને આપણી બહેનોની ગરિમાનું રક્ષણ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતને એક એવો રક્ષક મળ્યો છે જે હિંમતવાન પિતા, દયાળુ ભાઈ અને એક દૃઢ રાષ્ટ્રીય નેતા તરીકે કાર્ય કરે છે.’