વાંચો દેશ-પરદેશના ન્યૂઝ શોર્ટમાં: અમુક દેશોમાં કોવિડની રસી પહોંચી જ નથી

10 May, 2021 12:22 PM IST  |  New Delhi | Agency

કોરોનાવાઇરસ સામે કઈ વૅક્સિન સર્વશ્રેષ્ઠ કહેવાય એ વિશે ઉત્તર-મધ્ય આફ્રિકાના ચૅડ નામના દેશમાં કોઈ ચર્ચા થતી જ નથી, પરંતુ હજી સુધી રસી નથી પહોંચી શકી.

પ્રતીકાત્મક તસવીર- મિડ-ડે

અમુક દેશોમાં કોવિડની રસી પહોંચી જ નથી
કોરોનાવાઇરસ સામે કઈ વૅક્સિન સર્વશ્રેષ્ઠ કહેવાય એ વિશે ઉત્તર-મધ્ય આફ્રિકાના ચૅડ નામના દેશમાં કોઈ ચર્ચા થતી જ નથી, પરંતુ હજી સુધી રસી નથી પહોંચી શકી. ચૅડમાં કોવિડ-19 પેશન્ટની સારવાર કરી રહેલા તેમના જેવા ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સ, ડૉક્ટર્સ અને નર્સ માટે હજી રસી નથી મળી શકી. ચૅડ સૌથી ઓછો વિકસિત દેશ છે, જેનો એક-તૃતીયાંશ ભાગ રણથી ઘેરાયેલો છે.

કોવિડથી પતિના મૃત્યુ બાદ પત્નીની આત્મહત્યા
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોવિડ-19ના સંક્રમણથી આઘાત પામેલી ૩૭ વર્ષની મહિલાએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોરોના વાઇરસના સંક્રમણને પગલે ૪૩ વર્ષના પતિનું મૃત્યુ થયા બાદ મહિલાએ નવ માળની ખાનગી હૉસ્પિટલમાંથી પડતું મૂક્યું હોવાનું તુકોગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કમલેશ શર્માએ જણાવ્યું હતું. મહિલાએ હૉસ્પિટલના પાંચમા કે તેથી ઉપરના માળેથી પડતું મૂક્યું હોવાની પોલીસને શંકા છે. મહિલાનો પતિ કોવિડ-19 સંક્રમિત હોવાનું જાહેર થયા થતા ૨૪ એપ્રિલે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં લૉકડાઉન ફરી લંબાવાયું
દિલ્હીમાં કોરોના રોગચાળાનો પ્રસાર રોકવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની મુદત સાત દિવસ લંબાવવામાં આવી છે. લૉકડાઉનની મુદત ૧૦ મેએ પૂરી થતી હતી, પરંતુ આજથી વધારે એક અઠવાડિયું લૉકડાઉનની મુદત લંબાવવામાં આવશે. ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં ૨૦ એપ્રિલે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એ લૉકડાઉનની મુદત લંબાવવામાં આવે છે. દિલ્હીની જનતાના સહકારથી છેલ્લા કેટલાક દિવસોમાં નવા દરદીઓ - નવા કેસની સંખ્યા ઘટી છે. પૉઝિટિવિટી રેટ પણ ઘટીને ૨૩ ટકા થયો છે. જોકે નિયંત્રણોમાં છૂટછાટો આપી શકીએ એવી સ્થિતિમાં નથી. હું દિલ્હીના રહેવાસીઓને લૉકડાઉનના નિયમો પાળવાનો અનુરોધ કરું છું. અન્યથા છેલ્લા કેટલાક દિવસોમાં આપણે જે રાહત પામ્યા છીએ એ ગુમાવી દઈશું.’

બોટની રાહ જોવામાં કોરોનાને આમંત્રણ
બંગલા દેશમાં કોવિડ-19ની મહામારીના ફેલાવા વચ્ચે ગઈ કાલે ઇદ-ઉલ-ફિતરની ઉજવણી પહેલાં મુનશીગંજમાંથી અસંખ્ય લોકો પોતાના વતનમાં જવા બોટની રાહ જોઈને ઊભા હતા. અહીં ઉલ્લેખનીય છે કે બંગલાદેશીઓ ભારતમાં ઘૂસી આવવાના તથા તેમને જાણીજોઈને ઘુસાડવાના અનેક બનાવ છેલ્લાં થોડાં વર્ષથી બની રહ્યા છે એને જોતાં ત્યાંના વધુ લોકો બંગાળ કે આસામ મારફત ભારતમાં આવશે તો કોવિડનો ખતરો વધી શકે છે. તસવીર : એ.એફ.પી.

હરિયાણામાં ૧૩ કોરોના કેદીઓ નાસી છૂટ્યા
હરિયાણાના રેવાડીમાં આવેલી રાજ્યના કોવિડ-19 પૉઝિટિવ કેદીઓ માટેની સમર્પિત સુવિધામાંથી ૧૩ કેદીઓ નાસી છૂટ્યા હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. કેદીઓની શોધ માટે ચાર પોલીસ ટુકડીઓ નક્કી કરવામાં આવી છે. આ ઘટના શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે થઈ હતી. નાસી છૂટેલા કેદીઓમાંના કેટલાક કેદીઓ હત્યા, બળાત્કાર અને લૂંટના કેસમાં સજા ભોગવી રહ્યા હતા.

વડા પ્રધાનની વધુ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે ચર્ચા
દેશમાં વધી રહેલા કોવિડ-19 કેસને ધ્યાનમાં લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડની સ્થિતિ વિશે સંબંધિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ચર્ચામાં ખાસ કરીને પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે મોદીને કહ્યું હતું કે પંજાબ માટેના ઑક્સિજન અને વૅક્સિનના પુરવઠા વધારી આપો.છેલ્લા કેટલાક દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર, તામિલનાડુ અને મધ્ય પ્રદેશ સહિત વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર, સિક્કિમ, ત્રિપુરા, તેલંગણા, ઓડિશા તેમ જ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે તથા પોંડિચરી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સાથે પણ કોવિડ-19ની સ્થિતિ વિશે ટેલિફોન પર વિગતવાર ચર્ચા કરી હતી. 

કાબુલની ગર્લ્સ સ્કૂલ પર હુમલો: મરણાંક ૫૫
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પાસેની એક ગર્લ્સ સ્કૂલ પર બૉમ્બ ફેંકાયા પછી ગઈ કાલ સુધીમાં મરણાંક પંચાવન જેટલો આંકડો હતો અને ઘાયલોની સંખ્યા ૧૦૦નો આંકડો પાર કરી ગયો હતો. સ્કૂલ પર બૉમ્બ ફેંકવાના બનાવના મૃતકોને ગઈ કાલે કાબુલ પાસેના દશ્ત-એ-બારચી વિસ્તારમાં દફન કરવામાં આવ્યા ત્યારે શિયા મુસ્લિમો પર હુમલા સામે રક્ષણ આપવામાં સરકારની નિષ્ફળતા સામે લોકોનો રોષ ભભૂકતો હતો.

પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી મૃત્યુ 
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા અમદાવાદની હૉસ્પિટલમાં કોરોના ઇન્ફેક્શનની સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાર્દિક પટેલ જોડે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો હતો. હાર્દિક પટેલના પિતા ભરતભાઈને કોરોના ઇન્ફેક્શનની સારવાર માટે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પહેલાં જ કૉન્ગ્રેસ નેતા હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. હાલમાં તે ડૉક્ટરની સલાહ પર હોમ આઇસોલેશનમાં છે. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પુત્ર હાર્દિક પટેલ દ્વારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન વેરીઅન્ટના ચાર કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યા
દ​ક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના ઇન્ડિયન વેરીયન્ટ (B.1.617.2)થી ઇન્ફેક્ટેડ ચાર કેસ મળ્યા હોવાનું એ દેશના આરોગ્યપ્રધાન ઝ્વેલી મખેઝીએ જણાવ્યું હતું. ભારત અને દ​ક્ષિણ આફ્રિકા વચ્ચે અવરજવર કરતાં બે જહાજોના કર્મચારીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા પછી ચિંતા ફેલાઈ હતી. દેશના આરોગ્ય પ્રધાન મખેઝીએ જણાવ્યું હતું કે ‘એ ચાર કેસમાં બે કેસ ગ્વાતેન્ગમાં અને બે કેસ નતાલ પ્રાંતના ક્વાઝુલુમાં મળ્યા છે. એ ચાર દરદીઓ ભારતનો પ્રવાસ કરીને ત્યાં ગયા છે. એ ચાર જણને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

national news coronavirus covid19 new delhi