ન્યૂઝ શોર્ટમાં: કોરોનાથી લગતા અને બીજા અન્ય સમાચાર વાંચો ટૂંકમાં

26 May, 2021 01:42 PM IST  |  New Delhi | Agency

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ‘પહેલી જૂનથી રાજ્યમાં લૉકડાઉન હટાવાશે.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશમાં ૧ જૂનથી લૉકડાઉન હટાવાશે 
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ‘પહેલી જૂનથી રાજ્યમાં લૉકડાઉન હટાવાશે. આ માટે પ્રધાનોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે. જોકે કોરોનાનું ટેસ્ટિંગ ચાલુ જ રહેશે જેથી કોઈ સંક્રમિત વ્યક્તિ એનો ફેલાવો ન કરી શકે. લોકો કોરોના માટે બનાવેલી ગાઇડલાઇન્સનું પાલન કરે એ માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે.’ મધ્ય પ્રદેશમાં ૩૧ મે સુધી જનતા કરફ્યુ લાદવામાં આવ્યો હતો. પહેલી જૂનથી એને હટાવવામાં આવશે તેમ જ મૂકેલાં નિયંત્રણોને દૂર કરવામાં આવશે.

બુદ્ધદેબની તબિયત વધુ લથડી
કોરોના સંક્રમિત પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેબ ભટ્ટાચાર્યની તબિયત લથડતાં ગઈ કાલે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સવારે તેમનું ઑક્સિજન લેવલ ૯૦ કરતાં ઓછું થઈ જતાં ડૉક્ટરોએ તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. ૭૭ વર્ષના નેતા અન્ય પણ કેટલીક શારીરિક બીમારીઓથી પીડાતા હોવાથી તેમની ટેસ્ટ કરવી જરૂરી હતી. તેમની પત્ની મીરા પણ કોરોના સંક્રમિત થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. બાદમાં સાજાં થતાં તેમને રજા આપવામાં આવી હતી.

મૉડર્નાની રસી ૧૨ વર્ષના બાળકો માટે યોગ્ય
કોવિડ-વિરોધી રસી બનાવતી કંપની મૉડર્નાએ કહ્યું છે કે ‘અમારી રસી ૧૨ વર્ષના બાળકની પણ રક્ષા કરી શકે અેવી છે.’ કંપનીના આ વિધાનથી અમેરિકામાં આ વયજૂથના રસી લેનારાઓ માટે આ વૅક્સિન બીજો સારો વિકલ્પ બની શકે. કોરોનાની મહામારીનો અંત લાવવા માટે હજી પુખ્ત વયના લોકો માટેની રસી પૂરતા પ્રમાણમાં નથી. જોકે આ મહિનાની શરૂઆતમાં અમેરિકા તથા કૅનેડાઅે ફાઇઝર તથા બાયોએનટેકને ૧૨ વર્ષ કે એનાથી મોટી ઉંમરના યુવા વર્ગ માટેની રસીને મંજૂરી આપી હતી. હવે મૉડર્ના પણ આ હરોળમાં આવવા માગે છે. આ કંપનીને ૧૨-૧૭ વયજૂથના ૩૭૦૦ બાળકોને લગતા સર્વેક્ષણમાં તેમનામાં (રસી લીધા પછી) પુખ્ત વયના લોકોને થાય અેવા જ સંકેતો જોવા મળ્યા છે.

ધ બર્નિંગ શિપઃ આઠ કન્ટેનર ​દરિયામાં પડ્યા
સુરતના હજીરા બંદરેથી સિંગાપોર જઈ રહેલા જહાજમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી અને તેને ઓલવવા માટે શ્રીલંકાની નેવીએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જહાજમાં ૨૫ નાઇટ્રિક ઍસિડ ઉપરાંત ૧૪૮૪ કન્ટેનર હતાં જે પૈકી ૮ કન્ટેનર ગઈ કાલે કોલંબો નજીકના દરિયામાં પડ્યાં હતાં તેમ જ જહાજ સમતોલપણું ગુમાવી બેઠું હતું. જહાજમાં સવાર પચીસ ક્રૂ મેમ્બરોને બચાવી લેવાયા હતા. નેવીએ આગ ઓલવવા માટે હેલિકૉપ્ટરમાંથી પાઉડરનો છંટકાવ કરતાં આગ કાબૂમાં આવી હતી.  
 એ.એફ.પી.

‘યાસ’ના ભયથી લાખો લોકોને સલામત વિસ્તારોમાં ખસેડાયા
તાઉ-તે વાવાઝોડું દેશના પ‌શ્ચિમી ભાગોમાં ત્રાટક્યું ત્યાર પછી હવે ‘યાસ’ નામનું વાવાઝોડું બંગાલ અને ઓડિશામાં ત્રાટકવાની તૈયારીમાં હોવાથી ગઈ કાલે બન્ને રાજ્યોના કુલ ૧૪ લાખ જેટલા લોકોને દરિયાકાંઠાના ભાગોમાંથી અન્યત્ર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એકંદરે કુલ પાંચ રાજ્યોમાં લોકોની સલામતી માટે અેનડીઆરઅેફની કુલ ૧૧૫ ટુકડી ગોઠવવામાં આવી હતી.‘યાસ’ વાવાઝોડાનો લૅન્ડફોલ આજે સવારે ભદ્રક જિલ્લાના બંદરે થવાની સંભાવના ગઈ કાલે બતાવાઈ હતી.

કોવિડથી મૃત્યુ પામેલી વ્યક્તિમાં વાઇરસ ૨૪ કલાક સુધી જ સક્રિય રહે : નિષ્ણાતો
કોરોનાથી સંક્રમિત કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના નાક અને મોઢામાં કોવિડના વિષાણુ ૧૨થી ૨૪ કલાકના સમયગાળા પછી સક્રિય નથી રહેતા અને તેને કારણે તેના દ્વારા વાઇરસ ફેલાવાની સંભાવના ઘણી ઓછી થઈ જતી હોય છે, એમ એઇમ્સના ફોરેન્સિક ચીફ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું છે. અભ્યાસમાં ૧૦૦ જેટલા કોરોના સંક્રમણ પછી મૃત્યુ પામેલાઓની ડેડ-બૉડી ફરી તપાસવામાં આવી હતી. જેમાં તેમના નાક તથા મોઢામાંના વાઇરસ ૧૨ કલાકથી માંડીને વધુમાં વધુ ૨૪ કલાક સુધી સક્રિય રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

national news coronavirus covid19 covid vaccine vaccination drive new delhi madhya pradesh