પીએમ મોદીનો ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ, દિવાળી સુધી ગરીબોને મફત અનાજ

03 August, 2021 05:40 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગરીબ કલ્યાણ યોજનના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) આજે ગુજરાતમાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થીઓ સાથે જોડાયા હતા. જે કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.  આ યોજના અંગે જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં જાહેર સહકાર કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે. મોદીએ ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી.

યોજના દિવાળી સુધી રહેશે ચાલુ

ભારતે કોરોના સંક્રમણના પ્રથમ દિવસથી આ સંકટને સમજીને એના પણ કામ કર્યું છે. આજે વિશ્વભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આ યોજના પાછળ સરકાર દ્વારા 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. એનો હેતુ ભારતની એકપણ વ્યક્તિ ભૂખી ન  રહે તેવો છે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલાં કરતાં બેગણી માત્રામાં અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલવાની છે.

વન નેશન વન રાશન કાર્ડનો લાભ

ગુજરાતમાં સાડાત્રણ કરોડ લાભાર્થીને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. આ માટે ગુજરાત સરકારની પ્રશંસા કરું છું. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પ્રાથમિકતા આપી છે. શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.

PMGKAY( પીએમ મોદી ગરીબ કલ્યાણ યોજના) એ કોરોના મહામારીની આર્થિક અસરને ઘટાડવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે. આ અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવાયેલા તમામ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 5 કિલોનું વધારાનું રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કોરોના મહામારી દરમિયાન પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી, જે આ વર્ષે દિવાળી સુધી ચાલુ રહેશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 23 જૂન 2021 ના ​​રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, 7 જૂને જ પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાને દીપાવલી સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગત વર્ષે જુલાઈ અને નવેમ્બર વચ્ચે પાંચ મહિનામાં 201 લાખ મેટ્રિક ટન મફત અનાજ ફાળવ્યું હતું. આ વર્ષની વાત કરીએ તો મે મહિનામાં લગભગ 28 લાખ મેટ્રિક ટન મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાની લોકોની રોજગારી પર બહુ જ ગંભીર અસર પડી હતી. લોકો માટે રોજગારી મેળવવાનું અને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કલે રહ્યું છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્રારા મફત અનાજની યોજના અમલમાં મુકવામાં આવી હતી. 

national news narendra modi gujarat