ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત બાદ પીએમ મોદીનું પ્રથમ નિવેદન, હિમાચલનો પણ ઉલ્લેખ

08 December, 2022 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદીએ હિમાચલના લોકોનો પણ આભાર માન્યો હતો

ફાઇલ તસવીર

ગુજરાત  (Gujarat Assembly Election Result) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh Assembly Election Result) વિધાનસભા ચૂંટણીના પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાના ગૃહ રાજ્યમાં ભાજપની વિક્રમી જીત અંગે તેમણે કહ્યું કે, “આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું અભિભુત થઈ ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને તેમની ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે તે વધુ ઝડપી ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.”

પીએમ મોદીએ હિમાચલના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”

ગુજરાતમાં ભાજપ ફરી સત્તા પર આવી રહ્યું છે. ચૂંટણી પંચના તાજેતરના આંકડાઓ અનુસાર, ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 126 બેઠકો જીતી છે અને 30 પર આગળ છે. કૉંગ્રેસ ફરી એકવાર ચૂંટણી હારી ગયું છે. હિમાચલમાં કૉંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. અત્યારે કૉંગ્રેસ 38 સીટો જીતી છે અને 2 પર આગળ છે. જ્યારે ભાજપે 18 બેઠકો જીતી છે અને 7 પર આગળ છે.

આ પણ વાંચો: Himachal Result: લોકોએ પકડ્યો કૉંગ્રેસનો હાથ, જયરામ ઠાકુરે આપ્યું રાજીનામું

68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કૉંગ્રેસે બહુમતનો આંકડો પાર કર્યા બાદ મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે તેઓ જનતાના જનાદેશનું સન્માન કરે છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. જ્યારે ગુજરાતમાં બીજેપીના સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરીથી રાજ્યની કમાન સંભાળશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રમુખ સીઆર પાટીલે ગુરુવારે (8 ડિસેમ્બર) જણાવ્યું હતું કે પટેલ ફરીથી 12 ડિસેમ્બરે મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.

national news narendra modi himachal pradesh gujarat election 2022