રક્તદાન, ઑક્શન અને પ્રાર્થનાથી પીએમના બર્થ-ડેનું સેલિબ્રેશન

18 September, 2022 08:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાનના જન્મદિવસે સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે પીએમને આપવામાં આવેલી ભેટોનું ઈ-ઑક્શન ગઈ કાલે શરૂ કર્યું હતું

નવી દિલ્હીમાં ગઈ કાલે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ‘રક્તદાન અમૃત મહોત્સવ’ના ભાગરૂપે બ્લડ-ડૉનેશન કૅમ્પના ઉદ્ઘાટન દરમ્યાન એક રક્તદાતાની સાથે વાતચીત કરી રહેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા. (તસવીર : એ.એન.આઇ.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ૭૨ વર્ષના થયા. તેમના જન્મદિવસે રાજકારણીઓ અને હસ્તીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. તમારા દ્વારા અદ્વિતીય પરિશ્રમ, ડેડિકેશન અને સર્જનાત્મકતાની સાથે કરવામાં આવી રહેલું રાષ્ટ્રનિર્માણનું અભિયાન તમારા નેતૃત્વમાં આગળ વધતું રહે. મારી શુભેચ્છા છે કે ભગવાન તમને સ્વસ્થ અને દીર્ઘાયુ બનાવે.’

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, એનસીપીના નેતા શરદ પવાર, આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે વડા પ્રધાનના જન્મદિવસે ૧૫ દિવસની રક્તદાન ઝુંબેશની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૫૯૮૦ કૅમ્પને મંજૂરી આપવામાં આવી છે અને દોઢ લાખ દાતાઓ નોંધાયા છે.

બીજેપીના કાર્યકર્તાઓએ વડા પ્રધાનના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને ‘મા ગંગા’ની પૂજા કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.

વડા પ્રધાનના જન્મદિવસે સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે પીએમને આપવામાં આવેલી ભેટોનું ઈ-ઑક્શન ગઈ કાલે શરૂ કર્યું હતું. આ ઈ-ઑક્શન બીજી ઑક્ટોબરે સમાપ્ત થશે.

national news happy birthday narendra modi india