પીએમ મોદીને પણ છૂટ અપાઈ હતી, સાઉદી પ્રિન્સના મામલે શા માટે અમેરિકાએ આમ કહ્યું?

20 November, 2022 09:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જાણીતા પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને અમેરિકામાં છૂટ આપવામાં આવી છે

ફાઇલ તસવીર

જાણીતા પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને અમેરિકામાં છૂટ આપવામાં આવી છે. એનો અર્થ એ થયો છે કે હવે તેમના પર એ બાબતે અમેરિકા દ્વારા કોઈ કેસ ચલાવવામાં નહીં આવે. બાઇડન સરકારને આ મામલે ઘેરવામાં આવી હતી ત્યારે તેમને પીએમ મોદીનો કેસ યાદ આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે કોઈ દેશના નેતાને છૂટ આપવામાં આવી હોય એમ પહેલી વખત બન્યું નથી. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ જ પ્રકારનું પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અમેરિકામાં વિદેશ વિભાગના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે આ હકીકત જણાવી હતી.

પટેલે એક પત્રકારને જણાવ્યું હતું કે ‘અમેરિકાએ પહેલી વખત આમ કર્યું હોય એમ નથી. લાંબા સમયથી સાતત્યપૂર્ણ રીતે આવા પ્રયાસો કરાયા છે. આ પહેલાં અનેક દેશોના વડાઓને આવી છૂટ આપવામાં આવી છે.’

તેમણે કહ્યું હતું કે ‘કેટલાંક ઉદાહરણો : ૧૯૯૩માં હૈતીમાં પ્રેસિડન્ટ આર્ટિસ્ટિડે, ૨૦૦૧માં ઝિમ્બાબ્વેમાં પ્રેસિડન્ટ મુગાબે, ૨૦૧૪માં ભારતમાં વડા પ્રધાન મોદીને અને ૨૦૧૮માં ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગોમાં પ્રેસિડન્ટ કબિલાને. દેશોના વડા, સરકારના વડા અને વિદેશી પ્રધાનોને છૂટ આપવાનો આ સાતત્યપૂ્ર્ણ રિવાજ રહ્યો છે.’

પીએમ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૦૨માં કોમી રમખાણોને રોકવા માટે તેમની સરકારે કંઈ જ ન કર્યું હોવાના આરોપના પગલે અમેરિકાએ ૨૦૦૫માં તેમના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

હવે સાઉદી પ્રિન્સની વાત કરીએ તો અમેરિકાના વલણમાં આવેલો ફેરફાર આશ્ચર્યજનક છે, કેમ કે ખુદ પ્રેસિડન્ટ જો બાઇડન આ હત્યાને લઈને સાઉદી પ્રિન્સની વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવી ચૂક્યા છે. હવે લાગે છે કે અમેરિકા સાઉદી સાથે સંબંધો સુધારવા ઇચ્છે છે.

national news india narendra modi united states of america