21 July, 2026 02:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ નવી દિલ્હીમાં સંસદ પુસ્તકાલય ભવનમાં GMC બાલયોગી ઓડિટોરિયમ ખાતે `મંગલ મિલન` બેઠક માટે પહોંચ્યા હતા (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
મંગળવારે સંસદ ભવનના લાઈબ્રેરી બિલ્ડિંગ સ્થિત જીએમસી બાલયોગી ઓડિટોરિયમ ખાતે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સંસદીય દળની `મંગલ મિલન` (Mangal Milan) બેઠક શરૂ થઈ છે. આ ખાસ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નું સન્માન કરવા અને રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત કરવા માટે આયોજિત કરવામાં આવી છે. એનડીએની મંગલ મિલન બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક (NEET Paper Leak)ના મુદ્દા પર કડક વલણ અપનાવતા સરકારની કટિબદ્ધતા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારે તાજેતરના પેપર લીકના કેસોને ગંભીરતાથી લીધા છે અને તેના પર ઝડપી કાર્યવાહી કરી છે. દેશના યુવાનોને ખાતરી આપતા પીએમ મોદીએ કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા દોષિતોને કોઈપણ ભોગે બક્ષવામાં આવશે નહીં અને તેમને સખતમાં સખત સજા અપાવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો પણ ભરોસો આપ્યો હતો કે (PM Narendra Modi calls NEET Paper Leak a ‘National Concern’), સરકાર પરીક્ષા પ્રણાલીમાં એવા મજબૂત અને પારદર્શી ઈંતેજામ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ સાથે જ વડાપ્રધાને તમામ રાજકીય પક્ષોને અપીલ કરતા કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આ અત્યંત સંવેદનશીલ મુદ્દા પર કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ અને સૌએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ.
બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ પહોંચ્યા હતા. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારામન, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જી. કિશન રેડ્ડીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન પણ બેઠક સ્થળે પહોંચી ગયા હતા.
આ બેઠક દરમિયાન, એનડીએના તમામ સહયોગી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નિર્વાચિત વડાપ્રધાન બનવાની ઉપલબ્ધિ મેળવવા બદલ તેમના સન્માનમાં એક અભિનંદન પ્રસ્તાવ પસાર કરશે. પ્રસ્તાવ પસાર થયા બાદ વડાપ્રધાનનું મુખ્ય સંબોધન પણ થશે.
બેઠક પહેલાં ભાજપના સાંસદ અશોક મિત્તલે પોતાની પ્રથમ NDA-BJP સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા અંગે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મિત્તલે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘સૌથી પહેલાં તો મને એનડીએ અને ભાજપની આ પહેલી સંસદીય બેઠકમાં ભાગ લેવાની તક મળી રહી છે તેનો ખૂબ જ આનંદ છે. મને વડાપ્રધાન અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષને સાંભળવાનો મોકો મળશે. દેશને કેવી રીતે આગળ લઈ જવો અને મારે કઈ દિશામાં કામ કરવું જોઈએ તે અંગે મળનારું માર્ગદર્શન મારા માટે નવો રાહ ચીંધશે.’
એકતરફ જ્યાં એનડીએ એકજૂથતા બતાવી રહ્યું છે, ત્યાં નવી ગઠિત થયેલી `નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા` (NCPI) આ સંયુક્ત બેઠકમાં સામેલ થઈ નહોતી. NCPI માં એનડીએને સમર્થન આપનારા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ૨૦ બાગી (વિદ્રોહી) સાંસદો શામેલ છે. આ જૂથ બેઠકથી એટલા માટે દૂર રહ્યું કારણ કે લોકસભા અધ્યક્ષે હજુ સુધી NCPI ના બેનર હેઠળ આ સમૂહના વિલયને ઔપચારિક માન્યતા આપી નથી.
નોંધનીય છે કે, બાગી ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયના નેતૃત્વમાં NCPI એ રવિવારે પોતાના સ્વતંત્ર સંસદીય દળની પ્રથમ બેઠક યોજી હતી.
રવિવારની બેઠક બાદ પત્રકારોને સંબોધતા સુદીપ બંદોપાધ્યાયે સ્પષ્ટ કર્યું હતું કે ગૃહની અંદર તેમના જૂથના બેસવાની વ્યવસ્થા, ડિવિઝન નંબર અને એક અલગ વિધાયી બ્લોકને સ્વીકારી લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘આજે પહેલીવાર NCPI સંસદીય દળની બેઠક યોજાઈ. અમારી બેઠકોની ફાળવણી, ડિવિઝન નંબર અને અલગ બ્લોકને સ્વીકારી લેવામાં આવ્યા છે. અમે એનડીએ સરકારને અમારું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને ચર્ચા માટે જે પણ મુદ્દાઓ પટલ પર રાખવામાં આવશે તેમાં અમે પૂરી રીતે ભાગ લઈશું.અમે એ પણ માનીએ છીએ કે ગૃહ સુચારુ રીતે ચાલવું જોઈએ. જો કોઈ સભ્યને પશ્ચિમ બંગાળમાં પોતાના મતક્ષેત્ર સંબંધિત કોઈ મુશ્કેલી આવે છે, તો અમે આ મુદ્દો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવીશું. તે સ્થાનિક મુદ્દાઓને દિલ્હી લાવવામાં ન આવવા જોઈએ.’