28 April, 2025 07:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સેચેટ એપ્લિકેશન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશવાસીઓને નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA) દ્વારા તૈયાર કરવામાં આવેલી સચેત મોબાઇલ ઍપ્લિકેશનને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાની વિનંતી કરી હતી. આ ઍપ કુદરતી આફતો જેવી કે પૂર, વાવાઝોડું અને ભૂસ્ખલન વિશે ઍડ્વાન્સમાં જાણકારી આપે છે અને લોકોને અલર્ટ કરે છે.
આ મુદ્દે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘કોઈ પણ કુદરતી આફત વખતે આ ઍપ અલર્ટ આપે છે. એ ઍપ તમારા મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવાથી તમે કોઈ કુદરતી આફતમાંથી બચી શકો છે અને તેથી એનું નામ સચેત રાખવામાં આવ્યું છે. પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન, સુનામી, જંગલમાં આગ, બરફનું તોફાન, તોફાન, ચક્રવાત કે વીજળી પડવાની ઘટના હોય; દરેક બાબતે એ તમને અલર્ટ આપશે. આ ઍપ દ્વારા તમને હવામાન ખાતા તરફથી અપડેટ મળતી રહેશે. તમારી સ્થાનિક ભાષામાં આ માહિતી મોબાઇલમાં મળશે.’
આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘આ ઍપ NDMA દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ મોબાઇલ યુઝર્સને તેમના લોકેશનના આધારે ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ (GPS)થી રિયલ ટાઇમમાં કોઈ પણ કુદરતી આફતની જાણકારી આપે છે અને અલર્ટ કરે છે. આનાથી સાવ આસાન રીતે હવામાન ખાતાનું લેટેસ્ટ અપડેટ જાણી શકાય છે.’
યુઝર જે સ્થાન પર હોય ત્યાં કુદરતી આફતની સ્થિતિ કેવી છે અને યુઝરે ત્યાં રહેવું જોઈએ કે નહીં, તેણે શું કરવું જોઈએ એની જાણકારી આ ઍપમાં આપવામાં આવે છે. આ ઍપને હીટવેવ, ધરતીકંપ, પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે લોકોને અલર્ટ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આવી કોઈ પણ સ્થિતિ જણાય તો ઍપ એલર્ટ મોકલે છે. એમાં હવાની ગતિ, વરસાદનો અંદાજ, યૂઝર જ્યાં છે એનું તાપમાન એ પણ જાણકારી મળે છે. એમાં અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ૧૨ ભાષાનો સપોર્ટ મળી રહ્યો છે.
એન્ડ્રોઇડ અને ઍપલ ફોન યુઝર્સ આ ઍપ તેમના ફોનમાં ડાઉનલોડ કરી શકે છે.