હું તમને ખુલ્લો પડકાર ફેંકું છું, જો હિંમત હોય તો કાલે ચૂંટણી કરાવો : મમતા બૅનરજી

30 May, 2025 10:09 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

બંગાળની સરકાર કેન્દ્રની યોજનાઓ લાગુ કરવા નથી દેતી : નરેન્દ્ર મોદી

મમતા બૅનરજી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમ્યાન મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર નિશાન સાધ્યું હતું. તેમણે અલીપુરદ્વારમાં એક રૅલીમાં પોતાના સંબોધનમાં મમતા સરકાર પર વિવિધ મુદ્દાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે મમતા બૅનરજીને મુર્શિદાબાદ હિંસા માટે ઘેર્યાં હતાં અને પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાની સાથે જ વિકાસમાં પાછળ રહી જવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘બંગાળની સરકાર કેન્દ્રની આયુષમાન, વિશ્વકર્મા જેવી યોજનાઓ લાગુ નથી કરવા દેતી. બંગાળની નિર્મમ સરકાર એની પર બેસી ગઈ છે. આજે બંગાળ એકસાથે અનેક સંકટોમાં ઘેરાયેલું છે. પહેલું સંકટ છે સમાજમાં ફેલાયેલી હિંસા અને અરાજકતા. બીજું છે માતાઓ અને બહેનોની અસુરક્ષા. ત્રીજું છે બેરોજગાર નવજુવાનો. ચોથું ભ્રષ્ટાચાર અને પાંચમું ગરીબોનો હક છીનવી લેવો.’

પશ્ચિમ બંગાળ પાછળ રહી ગયું છે એ માટે સીધેસીધું મમતા સરકારને દોષી ગણાવતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘TMC ફક્ત ૨૪ કલાક રાજકારણ કરવા માગે છે. એ પશ્ચિમ બંગાળના વિકાસને કે દેશની પ્રગતિને પ્રાથમિકતા આપતી નથી. કેન્દ્ર સરકારની જે નીતિઓ અહીં પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવી છે એ પૂરી થઈ રહી નથી. સરકારે રાજ્યમાં ૧૬ મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ બંધ કરી દીધા છે. TMC સરકાર રાજ્યના ગરીબો, આદિવાસીઓ, દલિતો, મહિલાઓ અને પછાત વર્ગો પ્રત્યે પ્રતિકૂળ છે. બંગાળની પ્રજાને હવે TMC સરકારની વ્યવસ્થામાં વિશ્વાસ રહ્યો નથી. અહીંની પ્રજા પાસે માત્ર કોર્ટનો જ સહારો છે. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં ડબલ એન્જિનની સરકાર નહીં આવે ત્યાં સુધી કંઈ નથી થવાનું.’

મમતાનો વળતો પ્રહાર

વડા પ્રધાનની સભા બાદ તરત મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ એક પત્રકાર-પરિષદ યોજીને વળતો જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ‘મોદીજીએ જે કહ્યું એ સાંભળીને સ્તબ્ધ છું. તમે એ (બંગાળ) સરકારની આલોચના કરો છો જે તમને પૂરું સમર્થન આપી રહી છે. જ્યારે વિપક્ષ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે ત્યારે આ પ્રકારની વાત કરવી દુઃખદ છે.‍ અમારા પ્રતિનિધિ અભિષેક બૅનરજી પણ દેશરક્ષા માટેની ટીમમાં છે અને તે દરરોજ આતંકવાદની વિરુદ્ધ બોલી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. BJPના એક પ્રધાને કહ્યું કે ઑપરેશન સિંદૂરની જેમ હવે ઑપરેશન બંગાળ કરીશું. હું તમને ખુલ્લો પડકાર ફેંકું છું. જો હિંમત હોય તો કાલે જ ચૂંટણી કરાવો, અમે ચૂંટણી માટે તૈયાર છીએ. અમે ઑપરેશન બાંગ્લા માટે તૈયાર છીએ. બંગાળની સત્તા ક્યારેય BJP પાસે નહીં જાય.’

india narendra modi mamata banerjee west bengal indian politics bharatiya janata party operation sindoor national news news political news