૨૦૧૪ પહેલાં EDએ સ્કૂલબૅગમાં સમાઈ જાય એટલા પૈસા જપ્ત કર્યા હતા, છેલ્લાં ૧૦ વર્ષમાં ૭૦ ટ્રક ભરાય એટલા પકડાયા છે

16 April, 2024 09:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ED, CBI પર BJPનું વર્ચસ્વ છે એવા સવાલનો નરેન્દ્ર મોદીએ આપ્યો આ જવાબ

ગઈ કાલે કેરલાના પલક્કડમાં યોજાયેલી એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીને વંદે ભારત એક્સપ્રેસનું મૉડલ ભેટ આપવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુઝ-એજન્સી એશિયા ન્યુઝ ઇન્ટરનૅશનલ (ANI)ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમનાં વિઝન, રામમંદિર, સરકારી સંસ્થાઓના દુરુપયોગના આક્ષેપો, વિપક્ષ તથા લોકસભા ચૂંટણી સહિતના વિવિધ મુદ્દે જવાબો આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તથા ચૂંટણીપંચ પર ભારતીય જનતા પાર્ટી (BJP) હાવી છે એવા વિપક્ષના આક્ષેપોના જવાબમાં મોદીએ કહ્યું હતું કે EDએ જેટલા કેસ કર્યા છે એમાં રાજકીય નેતાઓ સામેના કેસ માત્ર ૩ ટકા છે. ED સ્વતંત્ર સંસ્થા છે. ૨૦૧૪ પહેલાં EDએ સ્કૂલબૅગમાં સમાઈ જાય એટલા પૈસા જપ્ત કર્યા હતા, જ્યારે છેલ્લાં ૧૦ વર્ષમાં ૭૦ ટ્રક ભરાય એટલાં નાણાં જપ્ત કરવામાં આવ્યાં છે. વાંચો ઇન્ટરવ્યુમાં કયા ખાસ મુદ્દે મોદીએ શું કહ્યું હતું. 

ટાર્ગેટ ૨૦૨૪ નહીં ૨૦૪૭ :  હું કહું છું કે ૨૦૪૭માં દેશની આઝાદીનાં ૧૦૦ વર્ષ થશે, આ માઇલસ્ટોન હશે. આ એવી બાબત છે જે વ્યક્તિમાં નવા સંકલ્પ ભરી દે છે. મારું માનવું છે કે આ મોટી તક છે. આપણે ૭૫ વર્ષ પર છીએ, ૧૦૦ વર્ષના થઈશું. આ પચીસ વર્ષનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ. દરેક સંસ્થા પોતે શું કરી શકે છે એને લક્ષ્ય બનાવે. 

૨૦૪૭ માટેનું વિઝન : મારા મનમાં ઘણા મોટા પ્લાન છે. એના માટે મોટા નિર્ણયો લેવા પડશે. કોઈએ ડરવાની જરૂર નથી. મારા નિર્ણય કોઈને ડરાવવા કે દબાવવા માટે નથી. મારા નિર્ણય દેશના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ માટે છે. હું દેશને બરબાદ કરવા નથી માગતો. મોટા ભાગની સરકારો એવું માને છે કે અમે બધું કર્યું છે. હું નથી માનતો કે અમે બધું કર્યું છે. મેં વધુ ને વધુ કામ કરવાનો અને સાચી દિશામાં જવાનો પ્રયાસ કર્યો છે. મોદીનું વિઝન મારા એકલાનું નથી, એમાં ૧૫-૨૦ લાખ લોકોના વિચારો સામેલ કરાયા છે. 
લોકો મોદીના નામે વોટ આપે છે: ચૂંટણીમાં ઉમેદવાર નહીં, મતદાતા ઇમ્પોર્ટન્ટ હોય છે. બૂથ લેવલના કાર્યકર્તા પણ જરૂરી હોય છે. કોઈનું કશું મહત્ત્વ નથી એમ કહેવું ઠીક નથી. જ્યાં સુધી ગૅરન્ટીની વાત છે, શબ્દો પ્રત્યે કમિટમેન્ટ હોવું જોઈએ.

રામમંદિરના મુદ્દે રાજકારણ : આ મુદ્દાનું રાજકીયકરણ કોણે કર્યું? જ્યારે અમારો પક્ષ પેદા પણ નહોતો થયો ત્યારે જ આ મામલો કોર્ટમાં ઉકેલાઈ શક્યો હોત. ભાગલા વખતે નક્કી કરી શકાયું હોત કે આટલી બાબતે નિર્ણય જરૂરી છે, પણ નિર્ણય થયા નહીં. આ મુદ્દો વોટબૅન્કનું હથિયાર હતો એટલે એને પકડી રાખવામાં આવ્યો. આ મુદ્દે કાનૂની પ્રક્રિયા દ્વારા સમાધાન શક્ય હતું, પણ એમાં અવરોધો પેદા કરાયા. તેઓ કહેતા કે રામમંદિર બનશે તો તમને મારી નાખીશું. હવે મંદિર બની ગયું છે. તેમના હાથમાંથી મુદ્દો જતો રહ્યો છે. 

સનાતન વિરોધી એજન્ડા : સવાલ કૉન્ગ્રેસને પૂછવો જોઈએ. જે કૉન્ગ્રેસની સાથે મહાત્મા ગાંધીનું નામ જોડાયું હતું. ઇન્દિરા ગાંધી ખુલ્લેઆમ રુદ્રાક્ષની માળા પહેરતાં હતાં. કૉન્ગ્રેસની એવી તે શું મજબૂરી છે કે સનાતન વિરુદ્ધ ઝેર ઓકનારાઓની પડખે ઊભા રહેવું પડે છે? હવે લોકોએ પણ તેમની નફરતને સ્વીકારી લીધી છે. 

રશિયા-યુક્રેન યુદ્ધમાં હસ્તક્ષેપ : બન્ને દેશના પ્રમુખ સાથે મારે મૈત્રીપૂર્ણ સંબંધ છે. મેં કહ્યું હતું કે ભારતના આટલા લોકો ત્યાં ફસાયા છે. મારે તમારી મદદ જોઈએ છે. 

national news narendra modi Lok Sabha Election 2024 russia ukraine ram mandir directorate of enforcement central bureau of investigation