બે દિવસમાં નરેન્દ્ર મોદીનો ચાર રાજ્યોનો ઝંઝાવાતી પ્રવાસ

29 May, 2025 11:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિકાસયોજનાની ભેટ આપશે, જાહેર સભાને સંબોધન કરશે : ૯ જૂને નવી સરકારને એક વર્ષ પૂરું થાય એ પહેલાં અનેક રાજ્યોમાં જશે

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતી કાલે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ એમ ચાર રાજ્યોના પ્રવાસે જશે. તેમના આ તોફાની પ્રવાસમાં વડા પ્રધાન આ રાજ્યોમાં ઘણી વિકાસયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ ઘણી જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. સિક્કિમથી તેમના પ્રવાસની શરૂઆત થશે. ત્યાર બાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતમાં શહેર ગૅસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ તેઓ બિહાર જશે જ્યાં ૪૮,૫૨૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ-પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને અંતે તેઓ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. એમાં વડા પ્રધાન આશરે ૨૦,૯૦૦ કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

નરેન્દ્ર મોદીએ છેલ્લા થોડા દિવસમાં રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લીધી હતી અને ૯ જૂને તેમની સરકારની વર્ષગાંઠ પહેલાં વધુ રાજ્યોની મુલાકાત લેશે. તેમણે ગયા વર્ષે ૯ જૂને તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. વડા પ્રધાને ભાષણોમાં વિકાસના સંદેશની સાથે ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને મજબૂત સંદેશ પણ આપ્યો હતો.

સિક્કિમથી શરૂઆત

વડા પ્રધાન આજે સિક્કિમ જશે અને સિક્કિમની સ્થાપનાના પચાસમા વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમોમાં હાજર રહેશે. સિક્કિમમાં તેઓ ઘણા વિકાસ-પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સિક્કિમ રાજ્ય દિવસ નિમિત્તે ટપાલટિકિટનું લોકાર્પણ તેઓ કરશે. આ પછી તેઓ જાહેર સભાને સંબોધિત કરશે. તેમના દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં નામચી ખાતે ૭૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલી ૫૦૦ બેડની નવી જિલ્લા હૉસ્પિટલ, સાંગાચોલિંગ ખાતે પૅસેન્જર રોપવે અને ગંગટોકના સાંગખોલા ખાતે અટલ અમૃત ઉદ્યાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાના અનાવરણનો સમાવેશ થાય છે.

બંગાળમાં ગૅસ વિતરણ પ્રોજેક્ટ

પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન અલીપુરદ્વાર અને કૂચબિહાર જિલ્લામાં શહેર ગૅસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ૧૦૧૦ કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથેનો આ પ્રોજેક્ટ ૨.૫ લાખથી વધુ ઘરો, ૧૦૦થી વધુ વ્યાપારી સંસ્થાઓ અને ઉદ્યોગોને પાઇપ દ્વારા કુદરતી ગૅસ પૂરો પાડવાનો હેતુ ધરાવે છે.

બિહારમાં વિકાસયોજનાઓ

શુક્રવારે નરેન્દ્ર મોદી બિહારના કરકટમાં ૪૮,૫૨૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ-પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. એમાં ઔરંગાબાદ જિલ્લામાં નબીનગર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, ફેઝ II (3x800 મેગાવૉટ)નો સમાવેશ થાય છે, જેનો ખર્ચ ૨૯,૯૩૦ કરોડ રૂપિયાથી વધુ છે. બક્સર અને ભરૌલી વચ્ચે નવા ગંગા પુલના નિર્માણ ઉપરાંત રાજ્યમાં વિવિધ રોડ-પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.

પટનામાં નવું ઍરપોર્ટ ટર્મિનલ

પટના ઍરપોર્ટ પર નવા ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. નવું ટર્મિનલ લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવા ટર્મિનલમાં દર વર્ષે લગભગ એક કરોડ મુસાફરોને સુવિધા આપવાની ક્ષમતા છે. મોદી ૧૪૧૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બિહતા ઍરપોર્ટના નવા સિવિલ એન્ક્લેવનો શિલાન્યાસ પણ કરશે.

કાનપુરમાં મેટ્રો સ્ટેશન સેક્શન

નરેન્દ્ર  મોદી ઉત્તર પ્રદેશમાં ૨૧૨૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા ચુન્નીગંજ મેટ્રો સ્ટેશનથી કાનપુર સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આ મેટ્રોમાં ૧૪ સ્ટેશનો છે, જેમાં પાંચ નવાં ભૂગર્ભ સ્ટેશનનો સમાવેશ થશે જે શહેરનાં મુખ્ય સ્થળો અને વાણિજ્યિક કેન્દ્રોને મેટ્રો નેટવર્ક સાથે જોડશે. વડા પ્રધાન રોડ-પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. કાનપુર શહેરમાં તેઓ લગભગ ૨૦,૯૦૦ કરોડ રૂપિયાના વિકાસ-પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને જાહેર સમારોહને સંબોધિત કરશે.

મોદીના મંત્રનો જોરશોરથી પ્રચાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓના વપરાશ માટે જનસમર્થનની માગણી કરી એ પછી ગઈ કાલે દિલ્હીના કનૉટ પ્લેસમાં ચેમ્બર ઑફ ટ્રેડ અૅન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યોએ ‘સ્વદેશી અપનાઓ વિદેશી ભગાઓ’ સ્લોગન લખેલાં પ્લૅકાર્ડ લઈને જાગૃતિ ફેલાવી હતી.

narendra modi sikkim uttar pradesh west bengal bihar bharatiya janata party indian government news national news