તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના! મોદી અને પુતિન બન્નેએ એકમેક માટે તોડ્યો પ્રોટોકૉલ

05 December, 2025 08:31 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને પોતાના ઘરે લઈ જઈને નરેન્દ્ર મોદીએ કહ્યું... મેં મારા દોસ્તનું મારા આવાસ પર સ્વાગત કર્યું

રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગઈ કાલે દિલ્હીમાં લૅન્ડ થયા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકૉલ તોડીને તેમને આવકારવા પહોંચી ગયા હતા અને બન્ને મિત્રો ગળે મળ્યા હતા. પુતિન તેમના પ્રોટોકૉલ મુજબ પોતાની ઑરસ સેનાટ કાર સિવાય બીજી કોઈ ગાડીમાં પ્રવાસ નથી કરતા, પણ ગઈ કાલે તેઓ મોદીની કારમાં બેસીને તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા.

ગઈ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દસમી વાર ભારત આવ્યા હતા. છેલ્લે ૨૦૨૧માં તેઓ ભારત આવ્યા હતા. ગઈ કાલે ૨૩મા ભારત-રશિયા શિખર સંમેલન માટે પુતિન ભારત પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ઍરપોર્ટ પર જઈને તેમને રિસીવ કર્યા હતા. પુતિનને ભારતમાં રેડ કાર્પેટ વેલકમ મળ્યું હતું. જેવા તેઓ તેમના બાહુબલી વિમાનમાંથી ઊતર્યા કે નીચે જ વડા પ્રધાન તેમને રિસીવ કરવા ઊભા હતા. બન્ને નેતાઓ એકમેકને ગળે મળ્યા હતા. પુતિનની સાથે રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ માંતુરોવ, રક્ષાપ્રધાન સર્ગેઈ શોડગુ અને કૃષિપ્રધાન દિમિત્રી પેત્રોવ પણ ભારત આવ્યા છે. તેમના સ્વાગતમાં ભારતીય કલાકારોએ શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. પુતિન ભાગ્યે જ તેમની બુલેટપ્રૂફ કાર સિવાય ક્યાંય પણ ટ્રાવેલ કરે છે, પરંતુ ગઈ કાલે તેમણે પણ પ્રોટોકૉલ તોડીને નરેન્દ્ર મોદીની સાથે તેમની કારમાં લોકકલ્યાણ માર્ગ પર આવેલા વડા પ્રધાન આવાસ તરફ પ્રયાણ કર્યું હતું. થોડા સમય પહેલાં ચીનમાં ટિઆનજિન શહેરમાં પુતિનની કારમાં મોદી બેસીને ગયા હતા એ તસવીરો વાઇરલ થઈ હતી. આ વખતે પુતિને નરેન્દ્ર મોદીની કારમાં સાથે સફર કરી હતી. પુતિન કદી પોતાના સિક્યૉરિટી પ્રોટોકૉલમાં કોઈ બદલાવ ચલાવતા નથી ત્યારે નરેન્દ્ર મોદીની સાથે કારમાં સફર કરીને તેમણે પોતાના અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. 

નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું, ‘મારા દોસ્ત, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવાની મને બહુ જ ખુશી છે. આજે સાંજે અને કાલે થનારી અમારી વાતચીતની હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું. ભારત-રશિયાની દોસ્તી મુશ્કેલ સમયમાં કસોટીની એરણે ખરી ઊતરી છે અને એનાથી આપણા લોકોને બહુ ફાયદો થયો છે.’

વડા પ્રધાન આવાસ પહોંચ્યા પછી ફરીથી નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘મેં મારા દોસ્તનું મારા આવાસ પર સ્વાગત કર્યું` ત્યાર બાદ વડા પ્રધાન આવાસ પર પ્રાઇવેટ ડિનર લીધું હતું જેમાં નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિનની સાથે આવેલા પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. 

ભારત આવતાં પહેલાં મૉસ્કોમાં એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું... મોદી કોઈના દબાવમાં નથી આવતા, દેશહિતને આગળ રાખે છે, ભારતની પ્રગતિ કેટલાક દેશોને ખૂંચી રહી છે

ગઈ કાલે ભારત આવતાં પહેલાં એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘ભારત ખુશનસીબ છે કે તેમની પાસે મોદી છે. તેઓ કોઈના દબાવમાં નથી આવતા. ૭૭ વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે એ દુનિયા માટે પ્રેરણારૂપ છે અને કેટલાક દેશોને એ ખૂંચે પણ છે.’ તેલ અને ટૅરિફના મુદ્દે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે પુતિને અમેરિકા પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘વૉશિંગ્ટન ખુદ અમારી પાસેથી ન્યુક્લિયર એનર્જી ખરીદે છે તો પછી બીજાને જ્ઞાન આપવાની કોશિશ કેમ? ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકા દોષી ઠરાવવાની કોશિશ કરી રહ્યું છે, પણ એ બેવડું ધોરણ છે. હવે તો દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થાઓ પણ એ સમજી ગઈ છે.’

પુતિનની ફ્લાઇટ સૌથી વધુ ટ્રૅક થઈ
ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ flightgtaker24 મુજબ પુતિનને લઈને આવી રહેલી ફ્લાઇટને આજે સૌથી વધુ લોકોએ ટ્રૅક કરી હતી. વેબસાઇટે આ વિશે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘અમારી સાઇટ પર અત્યારે સૌથી વધુ ટ્રૅક થઈ રહેલી ફ્લાઇટ છે રશિયા સરકારનું આ વિમાન, જે ભારત તરફ જઈ રહ્યું છે.’

દિલ્હી ઍરપોર્ટ પર પ્રેસિડન્ટ પુતિનનું સ્વાગત શાસ્ત્રીય નૃત્યથી કરવામાં આવ્યું હતું.

ભારતમાં ઠેર-ઠેર પુતિનનું સ્વાગત

સૅન્ડ-આર્ટ- ઓડિશાના પુરીમાં સૅન્ડ–આર્ટિસ્ટ માનસ કુમાર સાહુએ રેતીથી વ્લાદિમીર પુતિનનું પોર્ટ્રેટ બનાવ્યું હતું.

બિકાનેરમાં લીફ-આર્ટિસ્ટ મિઠ્ઠુ મહેરાએ રશિયાના પ્રેસિડન્ટના સ્વાગતમાં પીપળાના પાન પર પુતિનનું પેઇન્ટિંગ દોર્યું હતું. 

વારાણસીમાં વેલકમ પુતિન- રશિયાના રાષ્ટ્રપતિ અને ભારતના દોસ્ત પુતિનના સ્વાગતમાં વારાણસીમાં ગંગા આરતી દરમ્યાન ગંગા ઘાટ પર ‘WELCOME PUTIN’ લખેલું વંચાય એ રીતે દીવડાઓની ગોઠવણી કરવામાં આવી હતી. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે... સરકાર વિદેશી મહેમાનોને મળવા નથી દેતી, આ સરકારની અસલામતી દર્શાવે છે

ગઈ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની ધરતી પર પગ મૂકે એ પહેલાં જ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ‘સરકાર વિદેશથી આવતા ટોચના નેતાઓ સાથે વિરોધ પક્ષને મળવા નથી દેતી. તે નેતાઓને કહે છે કે લોકસભાના વિરોધ પક્ષના નેતાને ન મળો. આનું કારણ સરકારની અસલામતી જ છે. સામાન્ય રીતે પરંપરા છે કે વિદેશથી આવતા નેતાઓ લોકસભાના વિરોધ પક્ષના નેતા (LoP)ને મળે. વાજપેયીજીના સમયે આવું થતું હતું, મનમોહન સિંહજીના સમયમાં પણ આવું થતું હતું; પરંતુ હવે સરકાર તેમને એ સંદેશ આપે છે કે LoPને ન મળો. હું જ્યારે વિદેશ જાઉં છું ત્યારે પણ આવું જ કરવામાં આવે છે. વડા પ્રધાન મોદી અને વિદેશમંત્રાલય આ પ્રોટોકૉલનું પાલન નથી કરતા.’ રાહુલે કહ્યું હતું કે વિપક્ષ પણ ભારતનું જ પ્રતિનિધિત્વ કરે છે અને તેમનો દૃષ્ટિકોણ પણ જાણવો જરૂરી છે, પણ સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષી નેતાઓ વિદેશના નેતાઓ સાથે મળે.

 

national news india vladimir putin russia indian government narendra modi delhi news new delhi