PM મોદીએ ટ્વિટર પર 88 લોકોને ટેગ કરી કહ્યું...

13 March, 2019 02:41 PM IST  | 

PM મોદીએ ટ્વિટર પર 88 લોકોને ટેગ કરી કહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ વડાપ્રધાન મોદીએ વોટિંગ કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશના સેલેબ્સને વોટિંગ કરવા અપીલ કરી છે. પીએમમોદીએ નેતાઓ, બોલીવુડ એક્ટર્સ, ખેલાડીઓ, ધર્મગુરુઓ અને મીડિયા ટેગ કરીને ચાર અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે લોકસભાની ચૂંટણી 2019ના પહેલા તબક્કાના મતદાનમાં એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે, ત્યારે મતદાન સૌથી મહત્વનું કર્તવ્ય છે. આપણો વોટ દેશની વિકાસ યાત્રામાં ભાગીદારીનો સંકલ્પ છે.

 

વડાપ્રધાન મોદીએ આજે સવારે એક સાથે 31 ટ્વિટ કર્યા છે, જેમાં પીએમ મોદીએ લખ્યું,'આવો એક એવું વાતાવરણ બનાવીએ જ્યાં વોટર કાર્ડ મેળવવું અને વોટ કરવો ગર્વની વાત હોય. તમામ લોકો તેને લઈને ઉત્સાહિત હોય. ખાસ કરીને પહેલીવખત વોટ કરનાર લોકો માટે તે લોકશાહીનો ઉત્સવ બને. માહોલ એવો બને કે વોટ ન આપવા પર પસ્તાવો થાય'

પીએમ મોદીએ કરી આ અપીલ

1) આજે જ રજિસ્ટર કરો
2) મતદાર યાદીમાં તમારુ નામ ચકાસો
3) તમારો કાર્યક્રમ સમજી વિચારીને નક્કી કરો
4) બીજાને પણ પ્રેરિત કરો

પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું,'હું જુદા જુદા ક્ષેત્રના પ્રભાવશાળી લોકો, રાજકારણ, ઉદ્યોગ, રમતજગત અને બોલીવુડના લોકોને કહું છું કે મતદારોને જાગૃત કરવા માટે આગળ આવો. આપણે બધા મળીને બતાવી દઈએ કે આ વખતે અભૂતપૂર્વ મતદાન થશે. આ વખતનું મતદાન દેશના ચૂંટણી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખશે.'

કોને કોને કર્યા ટેગ

PM મોદીએ પોતાના ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, એમ. કે સ્ટાલિન, નવીન પટનાયક, એચડી કુમારસ્વામી, ચંદ્રબાબુ નાયડુ, જગન મોહન રેડ્ડી, નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, પવન ચામલિંગ, હરસિમરત કૉર, ચિરાગ પાસવાન, આદિત્ય ઠાકરેને ટેગ કર્યા છે.

તો ફિલ્મ એક્ટર્સમાંથી મોહનલાલ, નાગાર્જુન, રણવીરસિંહ, વરુણ ધવન, વિક્કી કૌશલ, મનોજ બાજપેયી, શંકર મહાદેવન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્માને ટેગ કરીને અપીલ કરી છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિ રતન ટાટા, આનંદ મહિન્દ્રા, આશિષ ચૌહાણ, કૈલાશ સત્યાર્થી, કિરણ બેદી, સુદર્શન પટનાયકને પણ મતદાન માટે લોકોને પ્રેરિત કરવા અપીલ કરી છે.

ખાસ વાત એ છે કે પીએમ મોદીએ આ તમામ હસ્તીઓને રસપ્રદ અંદાજમાં ટેગ કરીને તેમને મતદાન વધારવા માટે લોકોને જાગૃત કરવા કહ્યું છે. સલમાન ખાન અને આમિર ખાનને ટેગ કરીને પીએમ મોદીએ લખ્યું કે,'આ સમય તમારે તમારા અંદાજમાં યુવાનોને મતદાન માટે પ્રેરિત કરવાનો છે, જેથી આપણે લોકશાહી અને દેશને મજબૂત બનાવી શકીએ'

આ પણ વાંચોઃ ઇન્ડિયાને અંગેના મેસેજવાળી ફિલ્મો કરવાની મોદીજીએ સલાહ આપી છે : રણવીર સિંહ

તો અક્ષયકુમાર, ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાનાને ટેગ કરીને પીએમ મોદીએ લખ્યું,'થોડો દમ લગાવો અને વોટિંગને એક સુપરહિટ કથા બનાવો'

ધોની, કોહલી અને રોહિત શર્માને ટેગ કરી પીએમ મોદીએ લખ્યું,'તમે ક્રિકેટના મેદાન પર શાનદાર રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ હવે સમય છે 130 કરોડ દેશવાસીઓને જાગૃત કરવાનો જેથી મતદાનનો રેકોર્ડ બની શકે.'

narendra modi Loksabha 2019 Election 2019