બીજી લહેરમાં લોકો વધુ લાપરવાહ થઈ ગયા છે: મોદી

09 April, 2021 10:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડાપ્રધાને રાજ્યોને કહ્યું, ‘નાઇટ કરફ્યુને કોરોના કરફ્યુ નામ આપો, કેસોની સંખ્યાની ચિંતા છોડીને ટેસ્ટિંગ બને એટલું વધારો’: એક દિવસમાં કોરોનાના ૧.૨૬ લાખ કરતાં વધુ નવા કેસ

એઇમ્સમાં કોવૅક્સિન રસીનો બીજો ડોઝ લેતા વડા પ્રધાન મોદી (તસવીર: એ.એફ.પી.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે વિડિયો-કૉન્ફરન્સિંગથી મુખ્ય પ્રધાનો સાથે કોરોના વાઇરસની દેશમાં ફેલાયેલી બીજી લહેર બાબતમાં ચર્ચા કરવા બેઠક યોજી હતી, જેમાં મોદીએ ૧૧-૧૪ એપ્રિલ દરમિયાન વધુ લોકોને આવરી લેવાના હેતુથી ‘વૅક્સિનેશન ફેસ્ટિવલ’ યોજવાની જાહેરાત કરવાની સાથે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને એવું જણાય છે કે કોવિડ-19ની બીજી લહેરમાં લોકો વધુ લાપરવાહ અને નિષ્કાળજી રાખતા થઈ ગયા છે. આવું તો રસી લીધા પછી પણ ન કરાય. રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન કયા છે એ સ્પષ્ટપણે દર્શાવાયા હોવા જોઈએ. મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબમાં પ્રથમ લહેરના વખતની કોવિડ-19ના કેસોની સંખ્યાની પરાકાષ્ઠા ઓળંગાઈ ગઈ છે; જે બહુ મોટી ચિંતાની વાત કહેવાય.’

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોવિડ-૧૯ના ૧,૨૬,૭૮૯ કેસ નોંધાવા સાથે દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૧,૨૯,૨૮,૫૭૪ પર પહોંચ્યો હોવા ઉપરાંત કોવિડના ઍક્ટિવ કેસની સંખ્યા પણ નવ લાખને આંબી ગઈ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું.

બીજી તરફ, વડા પ્રધાને ગઈ કાલે મુખ્ય પ્રધાનોને મીટિંગમાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘તમે નાઇટ કરફ્યુને કોરોના કરફ્યુ નામ આપી દો. આ કોરોના કરફ્યુ રાત્રે ૯ વાગ્યે શરૂ કરીને વહેલી સવાર સુધી ચાલવો જોઈએ. હું તમને દરેકને અપીલ કરું છું કે કોવિડ-19 ટેસ્ટિંગ પર વધુને વધુ ભાર આપો. ૭૦ ટકા આરટી-પીસીઆર ટેસ્ટનો આપણો લક્ષ્યાંક છે. પૉઝિટિવ કેસોની સંખ્યા ભલે ઊંચે જાય, પરંતુ બને એટલાં વધુ ટેસ્ટિંગ કરાવો. કેસોની સંખ્યા ઊંચે જવા બાબતમાં ચિંતા ન કરો. લોકોનાં ટેસ્ટિંગ કરતા જ રહો.’

coronavirus covid19 national news narendra modi