સંસદના મકરદ્વાર પર બન્ને જૂથના સંસદસભ્યોનું સામસામે પ્રદર્શન

24 July, 2026 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્સૂન સત્ર દરમ્યાન સંસદના પરિસરની અંદર મકરદ્વાર ખાતે ગઈ કાલે સત્તાધારી NDAના અને વિપક્ષના ઇન્ડિયા બ્લૉકના સંસદસભ્યોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું

કૉન્ગ્રેસ

મૉન્સૂન સત્ર દરમ્યાન સંસદના પરિસરની અંદર મકરદ્વાર ખાતે ગઈ કાલે સત્તાધારી NDAના અને વિપક્ષના ઇન્ડિયા બ્લૉકના સંસદસભ્યોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર રાહુલ ગાંધીનાં ધરણાં અને સંસદના સંકુલમાં વિક્ષેપના વિરોધમાં NDA સંસદસભ્યોએ મકરદ્વાર ખાતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી સંસદસભ્યોએ ‘પેપર-લીક’, ‘જીવન બચાવો’, ‘NEET બંધ કરો’ અને ‘ધર્મેન્દ્ર પ્રધાનને કાઢી મૂકો’ લખેલાં પ્લૅકાર્ડ્‌સ પકડી રાખ્યાં હતાં. વિપક્ષો વતી કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસનાં સંસદસભ્યો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તથા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને ડાબેરી પક્ષોના સંસદસભ્યો હાજર હતા.

ડાબેરી સંસદસભ્ય જૉન બ્રિટાસે BJPના નેતા અરુણ સિંહના હાથમાંથી પોસ્ટર ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તનાવ વધ્યો હતો. બન્ને જૂથોના સંસદસભ્યો સામસામે ઊભા હતા ત્યારે સંસદના સુરક્ષા-કર્મચારીઓએ દખલ કરી હતી અને બન્ને જૂથોને અલગ રાખવા માટે માનવસાંકળ બનાવી હતી.

દિલ્હીના પોલીસ-કમિશનરને NSA હેઠળ માટે અટકાયતના અધિકાર આપવામાં આવ્યા

રાષ્ટ્રીય રાજધાનીમાં CJPના આંદોલનના પગલે સુરક્ષાની ચિંતાઓ વધી રહી છે ત્યારે દિલ્હીના પોલીસ-કમિશનરને નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) ૧૯૮૦ હેઠળ અટકાયતની સત્તાનો ઉપયોગ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારના ગૃહવિભાગ દ્વારા જાહેર કરાયેલા આ અધિકાર ૨૦૨૬ની ૧૯ જુલાઈથી ૧૮ ઑક્ટોબર સુધી અમલમાં રહેશે. જોકે નોટિફિકેશનમાં સત્તાઓ આપવા પાછળનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે CJP દ્વારા કથિત પરીક્ષા પેપર-લીક પર જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન ચાલુ છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. NSA નિયુક્ત અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આવશ્યક સેવાઓ સંબંધિત કેસોમાં કાનૂની જોગવાઈઓને આધીન પ્રિવેન્ટિવ અટકાયતનો આદેશ આપવાની મંજૂરી આપે છે.

આંદોલનમાં હિંસા કરનારા લોકોના પાસપોર્ટ રદ થઈ શકે છે : દિલ્હી પોલીસની ચેતવણી

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક સામે ચાલી રહેલા પ્રદર્શન દરમ્યાન હિંસા આચરનારાં તત્ત્વો સામે દિલ્હી પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસનાં સૂત્રો મુજબ જંતરમંતર નજીક થયેલાં રમખાણો અને હિંસક ઘટનાઓમાં સીધા સંકળાયેલા લોકોના પાસપોર્ટ રદ કરવાની કાનૂની કાર્યવાહી શરૂ થઈ શકે છે. તપાસ-અધિકારીઓ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, વિડિયો રેકૉર્ડિંગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે ઉપદ્રવીઓની ઓળખ કરી રહ્યા છે. જંતરમંતર નજીક ડ્યુટી પર જઈ રહેલા ઇન્સ્પેક્ટર નંદ કિશોર સિંહ પર ૪૦૦૦થી ૫૦૦૦ લોકોની ભીડે લાઠી, પથ્થર અને ધારદાર હથિયારોથી હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. પોલીસે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને અધિકારીઓ પર હુમલો કરનારા તમામ દોષીઓ સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી શરૂ કરી છે.

સંસદકૂચ વખતે યુવતીને થપ્પડ મારનારા પોલીસ-અધિકારીની બદલી

જંતરમંતર પર પ્રદર્શન દરમ્યાન નૉર્થ-ઈસ્ટ દિલ્હી જિલ્લાના ઍડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) સંદીપ લાંબા એક પ્રદર્શનકારી યુવતીને થપ્પડ મારતા હોય અેવું દર્શાવતો એક વિડિયો વાઇરલ થતાં મોટો વિવાદ થયો છે. આ ઘટના ૨૦ જુલાઈએ સંસદ તરફ CJPની આગેવાની હેઠળની કૂચ દરમ્યાન બની હોવાનું કહેવાય છે. આ ઘટનાને પગલે સંદીપ લાંબાને વિરોધ-સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા છે અને તેમને તેમના પોસ્ટિંગ જિલ્લામાં પાછા જવા માટે કહેવામાં આવ્યું છે. સંદીપ લાંબા સાથે જોડાયેલી આ ઘટના દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન પણ સામે આવી હતી જ્યાં વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને વિડિયોનો ઉલ્લેખ કર્યો હતો અને અધિકારીના વર્તન પર સવાલ ઉઠાવ્યા હતા. 

national news india national democratic alliance parliament delhi news new delhi delhi police neet exam jantar mantar cockroach janata party political news indian politics bhartiya janta party bjp bharatiya janata party congress