30 July, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સંસદભવનમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચા દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર વિપક્ષ પર વરસી પડ્યા હતા.
ગઈ કાલે સવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડના સમાચાર આવ્યા અને બીજી તરફ દિલ્હીમાં ૧૧ વાગ્યાથી સંસદમાં ચર્ચા શરૂ થઈ ગઈ. જોકે બપોર સુધી વિપક્ષોના હોબાળા વચ્ચે બન્ને ગૃહની કાર્યવાહી ચાલી નહોતી શકી. કૉન્ગ્રેસ નેતા પી. ચિદમ્બરમ દ્વારા સંસદ શરૂ થતાં પહેલાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે તપાસના રિપોર્ટ બહાર આવવા જોઈએ, શા માટે આપણે એવું ધારી લઈએ છીએ કે આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા અને આપણે ત્યાંના સ્થાનિક નહોતા? આ નિવેદનથી હોબાળો મચી ગયો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિપક્ષો પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો હતો.
સંસદની કાર્યવાહી શરૂ થયા પછી પણ બપોર સુધી કાર્યવાહી બરાબર ચાલી નહોતી. બપોરે બે વાગ્યે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ઑપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરી હતી અને ઑપરેશન સિંદૂરની સફળતા વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ કરેલા હુમલાનો આપણે જડબાતોડ જવાબ આપી બદલો લીધો હતો. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખના સામર્થ્યને પણ પોતાના ભાષણમાં વધાવ્યું હતું. તેમણે મુંબઈ હુમલા વખતેની કૉન્ગ્રેસની નિષ્ફળતાઓને પણ ગણાવી હતી અને પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું હતું.
સંસદમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘બાવીસ એપ્રિલથી ૧૭ જૂન સુધીના સમયગાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોનકૉલ નથી થયો. અમેરિકા સાથેની વાતચીતમાં કોઈ પણ તબક્કે ઑપરેશન સિંદૂર સંદર્ભે વેપાર બાબતે ચર્ચા થઈ નથી. મિલિટરી ઍક્શનને અટકાવવા માટેની વિનંતી ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) ચૅનલના માધ્યમથી પાકિસ્તાન તરફથી જ આવી હતી. ભારતે કરેલા ડિપ્લોમૅટિક પ્રયાસોનું ફળ એ હતું કે સંયુક્ત રાષ્ટ્રોનો ભાગ હોય એવા ૧૯૩માંથી માત્ર ૩ દેશોએ ઑપરેશન સિંદૂરનો વિરોધ કર્યો હતો અને વિશ્વભરમાં ભારતને સપોર્ટ મળ્યો હતો.’
વિપક્ષ તરફથી ગૌરવ ગોગોઈએ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા.
વિદેશપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે ‘પહલગામના હુમલા પછી અને ઑપરેશન સિંદૂર શરૂ થયું એ પહેલાં ભારતના સપોર્ટમાં વિદેશપ્રધાનના સ્તરે ૨૭ અને પ્રધાનમંત્રીને ૨૦ જેટલા ફોનકૉલ આવ્યા હતા. આ ઉપરાંત ૩૫-૪૦ પત્રો પણ મળ્યા હતા જેમાં ભારતને સમર્થન દર્શાવવામાં આવ્યું હતું.
વિદેશપ્રધાન અમેરિકાના મધ્યસ્થીના દાવાને ફગાવી રહ્યા હતા ત્યારે વિપક્ષો તરફથી સૂત્રો બોલાવાતાં ગૃહપ્રધાન અમિત શાહે તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો અને એવું કહ્યું હતું કે ‘ભારતના શપથ ગ્રહણ કરીને જવાબદારી નિભાવી રહેલા દેશના વિદેશપ્રધાન પર વિપક્ષને ભરોસો નથી. એમને બીજા દેશ પર ભરોસો છે. એમની પાર્ટીમાં બીજા દેશનું વધારે મહત્ત્વ છે એ મને ખબર છે, પણ એને સમગ્ર સંસદ પર થોપવાની જરૂર નથી. આ જ કારણે આ લોકો હજી ૨૦ વર્ષ સુધી વિપક્ષમાં જ રહેશે.’
વિપક્ષ તરફથી સંસદસભ્ય ગૌરવ ગોગોઈએ મોરચો સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘સમગ્ર દેશ, વિપક્ષ, બધા તમારી સાથે હતા તો ૧૦ મેની રાતે તમે અટકી કેમ ગયા. તમે કોને સરન્ડર કર્યું? પ્રેસિડન્ટ ટ્રમ્પે ૨૬ વખત આ દાવો કર્યો છે કે તેમણે ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું.’
શિવસેના-ઉદ્ધવના સંસદસભ્ય અરવિંદ સાવંતે એવો આરોપ લગાવ્યો હતો કે ભારત ૨૦૦ દેશો પાસે ગયું, પણ એક પણ દેશ ભારત સાથે ઊભો ન રહ્યો.
કૉન્ગ્રેસના સંસદસભ્ય ભૂપિન્દર સિંહ હૂડાએ અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલા દાવાઓની સામે તીવ્ર વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે કાં તો ડોનલ્ડને બંધ કરાવી દો અથવા ભારતમાં મૅક્ડોનલ્ડ્સ બંધ કરાવી દો.