દિલ્હીમાં ઓમાઇક્રોનનો વધુ ચેપી સબ-વેરિઅન્ટ મળી આવ્યો

11 August, 2022 08:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અનેક સૅમ્પલ્સમાં ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ BA 2.75 મળી આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની લોકનાયક જય પ્રકાશ નારાયણ હૉસ્પિટલમાં જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલાં સૅમ્પલમાં કોરોના વાઇરસના વેરિઅન્ટ ઓમાઇક્રોનનો નવો સબ-વેરિઅન્ટ મળી આવ્યો હોવાનું હૉસ્પિટલના ટોચના મેડિકલ ઑફિસરે જણાવ્યું હતું. હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર સુરેશ કુમારે કહ્યું હતું કે અનેક સૅમ્પલ્સમાં ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ BA 2.75 મળી આવ્યો છે.

દેશની રાજધાનીમાં કોવિડ-19 કેસમાં તીવ્ર વધારો છે. ૧૦૦ ટેસ્ટ દીઠ એક કેસમાં આ સબ-વેરિઅન્ટ જોવા મળ્યું છે. હૉસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે, એમ મેડિકલ ડિરેક્ટરે ઉમેર્યું હતું.

ઓમાઇક્રોનનો આ સબ-વેરિઅન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સંભવતઃ અગાઉના ચેપ અને રસીકરણથી રોગપ્રતિકારક શક્તિમાંથી બચી જાય છે, એમ જણાવતાં ડૉક્ટર કુમારે કહ્યું હતું કે ‘ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ BA 2.75 રિપોર્ટમાં મળી આવ્યો છે. એની પ્રસારણક્ષમતા ઘણી વધુ છે. જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલાં ૯૦ સૅમ્પલના રિપોર્ટમાં આ સબ-વેરિઅન્ટ જોવાયો છે. આ નવા સબ-વેરિઅન્ટે ઍન્ટિ-બૉડીસ ધરાવતા લોકો તેમ જ વૅક્સિન લેનારા લોકો પર પણ આક્રમણ કરતો હોવાનું ડૉક્ટર કુમારે ઉમેર્યું હતું.

જોકે નવા કેસમાં ઇન્ફેક્શનની તીવ્રતા ઘણી ઓછી છે, પરંતુ સૌથી વધુ જોખમ વૃદ્ધ અને કો-મોર્બિડ લોકો પર તોળાઈ રહ્યું છે. 

national news coronavirus covid19 Omicron Variant new delhi