10 March, 2025 11:50 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
ઓડિશામાં બીમાર શિક્ષકને રજા ન મળતાં હાથમાં IV ડ્રિપ સાથે સ્કૂલમાં ડ્યુટી પર હાજર રહેવું પડ્યું
ઓડિશાના બોલનગીરની સ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે કામ કરતા પ્રકાશ ભોઈની કૅઝ્યુઅલ લીવ સ્કૂલના પ્રિન્સિપાલે નકારતાં આ શિક્ષકને હાથમાં ઇન્ટ્રા વિનસ (IV) ડ્રિપ લગાવીને સ્કૂલમાં આવવાની ફરજ પડી હતી. પ્રકાશ ભોઈએ દાવો કર્યો હતો કે તેના દાદાના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કારમાં ગયા બાદ તેની તબિયત બગડી હતી અને તેણે સ્કૂલનાં પ્રિન્સિપાલ વિજયાલક્ષ્મી પ્રધાનને રજાની ચિઠ્ઠી મોકલી આપી હતી, પણ તેમણે રજા નકારી દીધી હતી અને સ્કૂલમાં આવવા જણાવ્યું હતું. નાણાકીય સમસ્યાનો સામનો કરતા આ શિક્ષકને સારવાર લીધા વિના સ્કૂલમાં આવવું પડ્યું હતું.
સ્કૂલમાં પણ તેમની તબિયત બગડી હતી છતાં તેમને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો-ઑર્ડિનેટરને મળવા જવા કહેવામાં આવ્યું હતું. ત્યાં પ્રકાશ ભોઈની તબિયત વધારે લથડી હતી. તેમણે હૉસ્પિટલમાં જવા પરવાનગી માગી હતી, પણ એના બદલે તેમને સ્કૂલમાં બપોરે બે વાગ્યા સુધીમાં આવવા જણાવવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ તેમને રજા આપવામાં આવી નહોતી અને એ દિવસે તેમની તબિયત વધારે લથડતાં તેમણે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી IV ડ્રિપ સાથે સ્કૂલમાં હાજરી આપી હતી. સ્કૂલના શિક્ષકો તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ કેસમાં હવે બ્લૉક એજ્યુકેશન ઑફિસરે તપાસનો આદેશ આપ્યો છે.