30 April, 2024 10:06 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
ફૂડની પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભાગદોડની જિંદગીમાં સૌ કોઈ ઓર્ડર કરીને ખાવાનું મંગવતા હોય છે. વળી, ટીનેજર્સમાં મેકડોનલ્ડસ, સ્વીગી વગેરેનું ચલણ પણ જોવા મળે છે. પણ ઘણીવાર આવા ભોજનને લઈને કે સાફસફાઇની બેદરકારીને લઈને સમાચાર આવતા હોય છે. હવે ઉત્તર પ્રદેશના નોઈડા (Noida News)માંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે.
ભોજન લીધા બાદ બીમાર પડી ગયો હતો કસ્ટમર
અહીં એક ગ્રાહકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ગ્રાહકે ફૂડ રેસ્ટોરન્ટમાંથી આલૂ ટિક્કી બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. તે ખાધા પછી તે અચાનક બીમાર પડી ગયો હતો. ત્યારબાદ તેણે આ બાબતે ફરિયાદ સુદ્ધાં નોંધાવી હતી.
ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી, તો...
ગ્રાહકની ફરિયાદને આધારે મેકડોનાલ્ડ વિરુદ્ધ તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નોઇડા (Noida News) ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશને સેક્ટર 18 સ્થિત મેકડોનાલ્ડ્સ અને સેક્ટર 104 સ્થિત થિયોબ્રોમા બેકરી અને કેક શોપમાંથી નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. અને ફૂડ વિભાગની ટીમે મેકડોનાલ્ડમાંથી તેલ, ચીઝ અને મેયોનીઝના સેમ્પલ સુદ્ધાં મેળવ્યા હતા.
આગળની કાર્યવાહી કરવામાં આવશે
આ ગ્રાહકના જીવને લઈને ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. માટે જ આ બાબતની તપાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. કેક શોપમાંથી પાઈનેપલ કેકના સેમ્પલ લેવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે. હકીકતમાં નોઈડામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળની ફરિયાદો સતત સામે આવી રહી છે. તાજેતરમાં જ તપાસ દરમિયાન પનીરથી લઈને દેશી ઘી તેમ જ ઘઉંના લોટ સુધીના નમૂનાઓમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું.
Noida News: અત્યારે તો ગ્રાહક આલુ ટિક્કી અને ફ્રેન્ચ ફ્રાઈસ ખાધા પછી બીમાર થયો હતો એટલે પ્રાપ્ત અહેવાલો અનુસાર આ સંદર્ભે પગલાં લેવામાં આવ્યા છે. જે સેમ્પલ લેવાયા છે તેનો રિપોર્ટ 15 દિવસથી એક મહિનાની અંદર આવી જવાની ધારણા છે.
થિયોબ્રોમા બેકરીની ઘટના (Noida News) અંગે પણ એવી ફરિયાદ આવી હતી કે ગ્રાહક આઉટલેટમાંથી મંગાવેલી વાસી પાઈનેપલ કેક ખાધા પછી બીમાર પડ્યો હતો. તેમ જ ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે કેકનો હિસ્સો ખાટો લાગતો હતો. માટે જ આ ફરિયાદને આધારે પણ કેકના નમૂના લઈ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ક્યાં સુધી?
જ્યારે આ બધી તપાસ કરવામાં આવે છે ત્યારે ધોરણોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાય છે. દેશી ઘી અને ચીઝને પણ વપરાશ માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણને રોકવામાં વહીવટીતંત્ર સફળ થઈ રહ્યું નથી. ઘણી હોટલો અને રેસ્ટોરન્ટમાં વાસી ભોજન પીરસવામાં આવે છે. આવી સ્થિતિમાં ફૂડ વિભાગે ફરિયાદો પર ઝડપથી કાર્યવાહી કરવાની નીતિ બનાવી છે.