હવે બીજેપીનું મિશન સાઉથ

04 July, 2022 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમિત શાહે મક્કમતાથી કહ્યું કે આગામી ૩૦થી ૪૦ વર્ષ તેમની પાર્ટીનો યુગ રહેશે અને ભારત વિશ્વગુરુ બનશે

હૈદરાબાદમાં ગઈ કાલે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગના બીજા દિવસે સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

બીજેપીના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે મક્કમતાથી જણાવ્યું હતું કે આગામી ૩૦થી ૪૦ વર્ષ તેમની પાર્ટીનો યુગ રહેશે અને ભારત વિશ્વગુરુ બનશે.

બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગમાં રાજકીય ઠરાવ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે વંશવાદના રાજકારણ, જાતિવાદ અને તુષ્ટિકરણનું રાજકારણ સૌથી અધમ પાપ છે અને આટલાં વર્ષોથી દેશ પીડા ભોગવી રહ્યો છે તો એનાં કારણો પણ એ જ છે. અમિત શાહે બીજેપીના પર્ફોર્મન્સ અને વિકાસના રાજકારણને લોકો તરફથી સમર્થન મળ્યું હોવાની વાત ભારપૂર્વક રજૂ કરવા માટે તાજેતરની ચૂંટણીઓમાં બીજેપીની જીતનો ઉલ્લેખ કર્યો હતો.

ગૃહપ્રધાને કહ્યું હતું કે બીજેપી તેલંગણ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં પરિવારવાદી શાસનનો અંત લાવશે અને આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં પણ સત્તા પર આવશે.

સરમાએ વધુ જણાવ્યું હતું કે આ મીટિંગમાં સામૂહિક આશા અને તારણ હતું કે હવે પછી બીજેપીના ગ્રોથનો રથ સાઉથ ભારતમાં પહોંચશે. 

ચુકાદાને બિરદાવ્યો

અમિત શાહે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના કેસમાં એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૬૪ જણને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારતી સ્વર્ગસ્થ એમપી એહસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. બીજેપીના આ સિનિયર લીડરે કહ્યું હતું કે મોદીએ એસઆઇટીની તપાસ દરમ્યાન મૌન અને બંધારણમાં તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો. નૅશનલ હેરલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ બજાવાયો હતો ત્યારે કૉન્ગ્રેસે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. 

national news india bharatiya janata party amit shah