ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

07 October, 2021 10:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૫ ઑક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે મોદી; ફટાકડા મામલે સુપ્રીમ કોર્ટનું સખત વલણ અને વધુ સમાચાર

તમામ પિતૃઓનું શ્રાદ્ધ : જેમના મરણની તારીખ ખબર નથી એવા તમામ પિતૃઓને યાદ કરી એમને શ્રાદ્ધ તર્પણ કરવાનો દિવસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ગઈ કાલે ભોપાલના તળાવમાં શિતલ દાસની બગીચા નામના સ્થળે લોકો મોટી સંખ્યામાં ધાર્મિક વિધિ માટે હાજર રહ્યા હતા.

૩૫ ઑક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે મોદી

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કૅર્સ હેઠળ સ્થાપિત કરાયેલા ૩૫ પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (પીએસએ) પ્લાન્ટ આજે દેશનાં ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્પિત કરશે. ઉત્તરાખંડના હૃષીકેશમાં એઇમ્સ ખાતે યોજાનારી એક ઇવેન્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ઑક્સિજન પીએસએ પ્લાન્ટ સમર્પિત કરશે. આ દિવસે તેઓ જાહેર સભાને સંબોધન કરશે તથા આ જ દિવસે વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન પદ પર શપથ ગ્રહણ કર્યાને તેમને ૨૦ વર્ષ પૂર્ણ થાય છે. આ ૩૫ પીએસએ ઑક્સિજન પ્લાન્ટ્સ સાથે હવે દેશમાં ૧૧૦૦ કરતાં વધુ પ્લાન્ટ્સ શરૂ કરાયા છે, જે દિવસના ૧૭૫૦ મેટ્રિક ટન ઑક્સિજનનું ઉત્પાદન કરે છે.

 

ફટાકડા મામલે સુપ્રીમ કોર્ટનું સખત વલણ

નવી દિલ્હી : ફટાકડા મામલે ફરી એક વખત સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. તેણે કહ્યું હતું કે ઉજવણી સામે અમારો વિરોધ નથી પરંતુ તે કોઈના જીવના ભોગે ન થવી જોઈએ. ફટાકડાઓ પર મૂકેલા પ્રતિબંધો છતાં એનું વેચાણ ચાલી રહ્યું હોવાના મામલે કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. આપણા દેશમાં મુખ્ય સમસ્યા આદેશના અમલીકરણની છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ફટાકડાઓને કારણે અસ્થમા તેમ જ અન્ય બીમારીઓ ધરાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે. દરેક તહેવારો અને સમારોહમાં ફટાકડાઓ ફોડવામાં આવે છે અને લોકો પરેશાન થાય છે, જેની સાથે એમને કોઈ લેવા-દેવા નથી. અમે ઘણી જાતના ફટાકડાઓ પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં બજારમાં એનું વેચાણ થાય છે.

national news narendra modi supreme court