News in Short: વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

14 April, 2021 09:53 AM IST  |  New Delhi | Agency

દેશમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સામાન્ય જનતાથી માંડીને ઘણા નેતા અને વીઆઇપી વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે.

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર

પ્રધાન લક્ષણો વિના જ પૉઝિટિવ 

દેશમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સામાન્ય જનતાથી માંડીને ઘણા નેતા અને વીઆઇપી વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું તમને સૌને જણાવવા માગું છું કે મારો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, મને કોઈ પ્રકારનાં લક્ષણો જણાયાં નથી. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો કોરોના સુરક્ષાના નિયમોનું પાલન કરે તેવી અપીલ કરું છું. આપણે સૌ સાથે મળીને આ મહામારી પર વિજય મેળવીશું.

૧૫,૦૦૦ સ્કૂલો હવે અંગ્રેજી માધ્યમમાં 

શિક્ષણવ્યવસ્થાને આધુનિક સ્વરૂપ આપવાના ઉદ્દેશથી ઉત્તર પ્રદેશ સરકારે ૧૫,૦૦૦ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોને અંગ્રેજી માધ્યમમાં રૂપાંતરિત કરી છે. આ પગલાનો હેતુ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારાં બાળકોમાં શરૂઆતથી જ અંગ્રેજી બોલવાનું કૌશલ્ય વિકસાવવાનો છે, જેથી તેઓ મિશનરી અને કૉન્વેન્ટ સ્કૂલનાં બાળકો સાથે સ્પર્ધા કરી શકે.

રેમડેસિવિર ઘરમાં વાપરવા માટે નથી

ઍન્ટિ-વાઇરલ ડ્રગ રેમડેસિવિરનો ખૂબ સંભાળીને અને સમજદારીથી ઉપયોગ કરવાની સલાહ કેન્દ્ર સરકારે ગઈ કાલે દેશભરના ડૉક્ટરોને આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘રેમડેસિવિર માત્ર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીઓ માટે જ અને જેઓ ઑક્સિજન સપોર્ટ પર હોય તેમના માટે જ છે, ઘરમાં સારવાર લઈ રહેલા દરદીઓ માટે નથી. કેમિસ્ટની દુકાનોમાંથી ઘરમાં ઉપયોગ માટે રેમડેસિવિર ખરીદવાની કોઈને છૂટ નથી. આ શરત સરકારે અગાઉ જણાવી જ હતી.’

national news new delhi coronavirus covid19