News In Shorts: વડા પ્રધાન મોદી પર ડૉક્યુમેન્ટરી મામલે બીબીસીને સમન્સ

23 May, 2023 11:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી અને ભારતીય ન્યાયતંત્ર માટે ખોટા અને અપમાનજનક આક્ષેપ કરવામાં આવ્યા હોવાનો દાવો કરતી એનજીઓની અરજી પર દિલ્હી હા​ઈ કોર્ટે બીબીસીને નોટિસ ફટકારી છે.

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદી પર ડૉક્યુમેન્ટરી મામલે બીબીસીને સમન્સ

બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (બીબીસી)ની ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’માં ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી છે તથા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય ન્યાયતંત્ર માટે ખોટા અને અપમાનજનક આક્ષેપ કરવામાં આવ્યા હોવાનો દાવો કરતી એનજીઓની અરજી પર દિલ્હી હા​ઈ કોર્ટે બીબીસીને નોટિસ ફટકારી છે. બીબીસી (યુ.કે) ઉપરાંત જસ્ટિસ સચિન દત્તાએ પણ ગુજરાત સ્થિત એનજીઓ ‘જસ્ટિસ ઑન ટ્રાયલ’ દ્વારા દાખલ કરાયેલી અરજી પર બીબીસી (ઇન્ડિયા)ને નોટિસ ફટકારી હતી.    

વડા પ્રધાન મોદી પહોંચ્યા ઑસ્ટ્રેલિયા

વડા પ્રધાન મોદી ત્રણ દેશોની યાત્રાના અંતિમ પડાવમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ભારત ખાતેના ઑસ્ટ્રેલિયાના રાજદૂતે તેમનું સ્વાગત કર્યું હતું. ઘણા ભારતીયો પણ વડા પ્રધાનને આવકારવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમ્યાન લોકોએ હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત માતા કી જયના નારાઓ પણ લગાવ્યા હતા. રવિવારે પપુઆ ન્યુ ગિનીમાં પણ મોદીનું ઉત્સાહભેર સ્વાગત થયું હતું. 

ગયાનાની ગર્લ્સ હૉસ્ટેલમાં આગ, ૨૦ સ્ટુડન્ટ્સનાં મોત

ગયાનાની ગર્લ્સ સ્કૂલ હૉસ્ટેલમાં ગઈ કાલે વહેલી સવારે આગ ફાટી નીકળતાં લગભગ ૨૦ સ્ટુડન્ટ્સ માર્યા ગયા હતા, જ્યારે કે અસંખ્ય સ્ટુડન્ટ્સ ઈજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ગયાનાની સરકારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજધાની જ્યૉર્જટાઉનથી ૨૦૦ માઇલ કે ૩૨૦ કિલોમીટર દૂર આવેલા મહડિયા શહેરમાં સેકન્ડરી સ્કૂલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી.  આગમાં અનેક બાળકોનાં મૃત્યુ થયાં હોવાનું જણાવી સરકારે ઉમેર્યું હતું કે બીજા અનેક ઈજાગ્રસ્ત સ્ટુડન્ટ્સની સારવાર કરવામાં આવી રહી છે તથા લગભગ સાતેક સ્ટુડન્ટ્સને સારવાર માટે હવાઈ માર્ગે રાજધાની લઈ જવાયા છે. 

કૉન્ગ્રેસે કર્ણાટક વિધાનસભાનું કર્યું શુદ્ધીકરણ

કર્ણાટકની ૧૬મી વિધાનસભા માટે નવા ચૂંટાયેલા ૨૨૪ વિધાનસભ્યોએ ગઈ કાલે શપથ લીધા હતા. કૉન્ગ્રેસના સૌથી સિનિયર વિધાનસભ્ય આર.વી. દેશપાંડેને પ્રોટેમ સ્પીકર બનાવાયા હતા. દરમ્યાન કૉન્ગ્રેસે ગઈ કાલે કર્ણાટક વિધાનસભાનું શુદ્ધીકરણ કર્યું હતું. પક્ષના નેતાઓએ વિધાનસભા ભવનમાં ગંગા જળ અને ગૌમુત્રનો છંટકાવ કર્યો હતો અને હવન બાદ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. કૉન્ગ્રેસે એવો આરોપ મૂક્યો હતો કે બીજેપીએ વિધાનસભાને પોતાના ભ્રષ્ટાચારથી દૂષિત કરી નાંખી હતી. 

national news gaya narendra modi bbc australia bihar fire incident karnataka congress delhi high court