News in Short: વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહી છે હલચલ

07 May, 2021 12:56 PM IST  |  New Delhi | Alpa Nirmal

ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન સહિત કુલ ડીએમકેના ૩૪ પ્રધાનો આજે રાજભવનમાં શપથ ગ્રહણ કરશે. સ્ટાલિન ચેન્નઈના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.

પ્રતીકાત્મક તસવીર

એમ.કે સ્ટાલિન મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે
ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન સહિત કુલ ડીએમકેના ૩૪ પ્રધાનો આજે રાજભવનમાં શપથ ગ્રહણ કરશે. સ્ટાલિન ચેન્નઈના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. ગવર્નર બનવારીલાલ પુરોહિતે ગઈ કાલે નિયુક્ત થનારા પ્રધાન તરીકે અને તેમના પોર્ટફોલિયોની જાહેરાત કરી હતી. રાજભવને જણાવ્યા મુજબ સ્ટાલિને પ્રધાન તરીકે નિયુક્ત થનારા લોકો અને તેમના પોર્ટફોલિયોની યાદી મોકલાવી હતી. સ્ટાલિનના કૅબિનેટમાં બે મહિલાઓ છે. 

ઑસ્ટ્રેલિયા સાથે ચીનની આર્થિક મંત્રણાઓ  રદ 
ઑસ્ટ્રેલિયાના સત્તાતંત્ર પર ‘શીતયુદ્ધ’ની માનસિકતાનો આરોપ મૂકતાં ચીનની સરકારના નૅશનલ ડેવલપમેન્ટ ઍન્ડ રિફૉર્મ્સ કમિશને ઑસ્ટ્રેલિયા સાથે આર્થિક બાબતોના સંવાદના સિલસિલા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની સરકારે બે બેલ્ટ ઍન્ડ રોડ ઍગ્રીમેન્ટ્સ રદ કર્યા પછી કમિશને વર્ષ ૨૦૧૪માં સ્થાપવામાં આવેલા ચાઇના-ઑસ્ટ્રેલિયા સ્ટ્રૅટેજિક ઇકૉનૉમિક ડાયલૉગ ફ્રેમવર્ક હેઠળ તમામ પ્રવૃત્તિઓ રોકવાની જાહેરાત કરી હતી. 

આસારામ કોવિડ પૉઝિટિવ થયા
બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા વિવાદાસ્પદ આસારામનું કોવિડ-19 પરીક્ષણ પૉઝિટિવ આવતાં તેમને રાજસ્થાનના જોધપુર શહેરની એમડીએમ હૉસ્પિટલના આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.  આસારામને કોવિડ થયાના સમાચાર જાણી તેમના ઘણા સમર્થકો હૉસ્પિટલ પહોંચી ગયા હતા. 

દક્ષિણ આફ્રિકા અને ભારત ની  રસીની પેટન્ટ ન લેવાની દરખાસ્તને અમેરિકાનું સમર્થન
વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન સમક્ષ ઍન્ટિ-કોવિડ વૅક્સિન પેટન્ટ્સ હંગામી ધોરણે માફ કરવાની ભારત અને દ​ક્ષિણ આફ્રિકાની દરખાસ્તને અમેરિકાએ સમર્થન જાહેર કર્યું છે. વૅક્સિન્સનો પુરવઠો વધારે પ્રમાણમાં અને ઝડપથી મળે એ માટે પેટન્ટની જોગવાઈ પડતી મૂકવાની દરખાસ્ત ભારત અને દ​ક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન સમક્ષ મૂકી હતી. વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનમાં અમેરિકાનાં ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ કૅથરીન તાઇએ બુધવારે ઉપરોક્ત બાબતની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે વૈશ્વિક કટોકટી અને કોરોના રોગચાળાના અસાધારણ સંજોગોને લીધે અસાધારણ પગલાં લેવાં પણ જરૂરી બને છે.

કોવિડના ૪.૧૨ લાખ નવા કેસ 
દેશમાં ગઈ કાલે કોવિડ-19ના ૪,૧૨,૨૬૨ નવા કેસ અને ૩૯૮૦ મૃત્યુના આંકડાઓએ નવી ઊંચાઈઓ નોંધાવતાં દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૧૦,૭૭,૪૧૦ અને કુલ મરણાંક ૨,૩૦,૧૬૮ રહ્યો હોવાનું ગઈ કાલે જાહેર કરાયેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. 

national news new delhi coronavirus covid19