News In Short : ફિનટેકને ક્રાન્તિમાં બદલવાનો સમય આવી ગયો : મોદી

04 December, 2021 01:27 PM IST  |  New Delhi | Agency

મોદીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘જેમ-જેમ માનવનો વિકાસ થયો છે તેમ ચલણમાં પણ ફેરફાર જોવા મળ્યો. બાર્ટર સિસ્ટમમાંથી આપણે ધાતુની સિસ્ટમ અપનાવી.

નરેન્દ્ર મોદી

 વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતે દુનિયાને દેખાડી દીધું છે કે કોઈ પણ ટેક્નૉલૉજી અપનાવવામાં કે પછી એના ઇનોવેશનમાં ભારત કોઈનાથી પાછળ નથી. ડિજિટલ ઇન્ડિયાને કારણે ઇનોવેટિવ ફિનટેક સોલ્યુશન માટે નવા દરવાજા ખૂલ્યા છે. હવે ફિનટેકને ક્રાન્તિના રૂપમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. મોદીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘જેમ-જેમ માનવનો વિકાસ થયો છે તેમ ચલણમાં પણ ફેરફાર જોવા મળ્યો. બાર્ટર સિસ્ટમમાંથી આપણે ધાતુની સિસ્ટમ અપનાવી. ત્યાર બાદ સિક્કાથી નોટ અને ચેકથી કાર્ડ સુધી પહોંચીને આજે આપણે અહીં પહોંચ્યા છીએ.’ 

શું પાકિસ્તાનના ઉદ્યોગો બંધ કરાવીએ?: સુપ્રીમ કોર્ટ

દિલ્હી તથા તેની આસપાસના પ્રદેશમાં પ્રદૂષણની સમસ્યાને લઈને કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સુનાવણી કરી હતી. દરમ્યાન ઉત્તર પ્રદેશ સરકાર તરફથી વકીલ રંજિત કુમારે ગજબની દલીલ કરતા કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી આવતી પ્રદૂષિત હવા દિલ્હીને પ્રભાવિત કરી રહી છે, જેને કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે. આ દલીલનો છેદ ઉડાવતા ચીફ જસ્ટિસ સી. વી. રમન્નાએ કહ્યું હતું કે શું તમે પાકિસ્તાનમાં ઉદ્યોગો પર પ્રતિબંધ લગાવવા માગો છો? દિલ્હીમાં પ્રદૂષણને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે ઇન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ અને ફ્લાઇંગ સ્ક્વોડ બનાવ્યું છે. પાંચ સભ્યની એક ટાસ્ક ફોર્સની પણ રચના કરાઈ છે. 

લોકોના વિશ્વાસ માટે ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન કાર ખરીદી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજનથી વેહિકલ્સ ચાલી શકે છે એવો લોકોને વિશ્વાસ થાય એના માટે એક કાર ખરીદી છે. ગડકરીએ જણાવ્યું હતું કે ‘ઇન્ડિયામાં ગંદાં પાણી અને સોલિડ વેસ્ટનો ઉપયોગ કરીને ઉત્પન્ન ગ્રીન હાઇડ્રોજનથી કાર્સ, ટ્રક્સ અને બસ ચાલે એવો મારો પ્લાન છે. મેં એક પાયલટ પ્રોજેક્ટ કાર ખરીદી છે કે જે ગ્રીન હાઇડ્રોજન પર ચાલશે. હું દિલ્હીમાં એ ગ્રીન હાઇડ્રોજન કાર ચલાવીશ. જેથી લોકોને વિશ્વાસ થાય.’

લખનઉમાં ટ્રકમાંથી મિરાજ-૨૦૦૦ ફાઇટર જેટના ટાયરની ચોરી

લખનઉમાં તાજેતરમાં બનેલી ચોરીની એક ઘટનાએ સૌને આશ્ચર્યમાં મૂક્યા છે. અહીં એક ટ્રકમાંથી મિરાજ-૨૦૦૦ ફાઇટર જેટના એક બ્રૅન્ડ ન્યુ ટાયરની ચોરી થઈ હતી. 
લખનઉમાં બક્ષી કા તાલાબ ઍરબેઝથી એક ટ્રકમાં આ ટાયરને જોધપુરમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે શહીદ પથ પર ટ્રા​ફિક જૅમમાં ટ્રક અટવાઈ હતી ત્યારે આ ઘટના બની હતી. ઇન્ડિયન ઍરફોર્સે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘૨૭ નવેમ્બરે લખનઉમાં ટ્રકના ડ્રાઇવરે ઍરક્રાફ્ટના એક ટાયરની ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. ઍરફોર્સ આ કેસની તપાસમાં પોલીસને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહી છે.’ ઍરક્રાફ્ટના ટાયર્સને લઈ જતી ટ્રકના ડ્રાઇવર હેમ સિંઘ રાવત અનુસાર તેણે લખનઉ ઍરબેઝમાંથી મિરાજ-૨૦૦૦ ફાઇટર જેટના છ નવા ટાયર્સ કલેક્ટ કર્યા હતા અને એને તે જોધપુરમાં લઈ જતો હતો. તે શહીદ પથ પર પહોંચ્યો ત્યારે તેની ટ્રક ટ્રાફિક જૅમમાં અટવાઈ હતી. તે ટ્રકમાં જ હતો ત્યારે ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ તેને જણાવ્યું હતું કે કોઈ ટ્રકના કન્સાઇનમેન્ટમાંથી ચોરી કરી રહ્યું છે.

હેમે કહ્યું હતું કે ‘હું ટ્રકમાંથી નીચે ઊતરું એ પહેલાં જ મેં મારી બાજુમાંથી બ્લૅક સ્કોર્પિયોને ઝડપથી પસાર થતી જોઈ હતી. મેં જોયું તો એક ટાયર મિસિંગ હતું. મેં તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કૉલ કર્યો હતો અને ઘટનાની જાણ કરી હતી.’

ડબ્લ્યુએચઓએ કહ્યું, ‘ઓમાઇક્રોનથી હજી સુધી કોઈનું મૃત્યુ થયું નથી’

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે કોરોનાના ઓમાઇક્રોન વેરિઅન્ટ સંબંધી મૃત્યુના કોઈ રિપોર્ટ હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યા નથી. આખી દુનિયાના દેશો ઓમાઇક્રોનને ફેલાતો રોકવા માટેના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ડબ્લ્યુએચઓ આ વેરિઅન્ટ વિશે પુરાવા કલેક્ટ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના સ્પોક્સપર્સન ક્રિશ્ચિયન લિન્ડમિયરે જણાવ્યું કે ‘મેં ઓમાઇક્રોન સંબંધિત મૃત્યુના કોઈ રિપોર્ટ્સ હજી સુધી જોયા નથી. વધુ દેશો લોકોની ટેસ્ટ કરી રહ્યા છે અને ખાસ કરીને ઓમાઇક્રોન વેરિઅન્ટના કેસ પર નજર રાખે છે. અમે વધુ કેસ સાથે વધુ માહિતી મેળવીશું.’

national news narendra modi new delhi