31 January, 2025 10:50 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવતા લોકો.
પ્રયાગરાજમાં મહાકુંભમાં મંગળવારે નાસભાગ બાદ ૩૦ શ્રદ્ધાળુઓનાં મૃત્યુના પગલે ભાવિકોની ભીડને કન્ટ્રોલ કરવા માટે પ્રશાસને પાંચ મુખ્ય ફેરફાર કરી દીધા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે.
ભાવિકોની સુરક્ષા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે આ પગલાં ઉઠાવવામાં આવ્યાં છે.
૧. મહાકુંભ મેળા વિસ્તારને નો વેહિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
૨. VVIP (વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) પાસ અને વાહન પાસની એન્ટ્રી ચોથી ફેબ્રુઆરી સુધી રદ કરી દેવામાં આવ્યાં છે.
૩. તમામ ભાવિકોએ સ્નાન કરવા માટે ચાલીને જ સંગમ ઘાટ કે ગંગા ઘાટ સુધી જવું પડશે.
૪. ભીડને કન્ટ્રોલમાં રાખવા માટે તમામ રસ્તા વનવે કરી દેવામાં આવ્યા છે. આમ એક રસ્તા પરથી ભાવિકો આવશે અને બીજા રસ્તા પરથી તેઓ જતા રહેશે. આથી સામસામી ભીડ થવાના ચાન્સ ઓછા થઈ જશે.
૫. આસપાસના જિલ્લામાંથી આવતાં વાહનો અને બસોની એન્ટ્રીને રોકવામાં આવી છે. મેળા પ્રશાસનના આદેશ બાદ આ બસોને એન્ટ્રી આપવામાં આવશે. ચોથી ફેબ્રુઆરી બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે.
બીજાં કયાં પગલાં?
મેળા ક્ષેત્રમાં ડ્રોન સાથે હેલિકૉપ્ટરો પણ નજર રાખી રહ્યાં છે. એમાં કૅમેરાથી લોકોને જોવામાં આવી રહ્યા છે અને લાઉડ-સ્પીકર દ્વારા તેમને દિશાનિર્દેશ આપવામાં આવી રહ્યા છે.
પ્રયાગરાજ શહેરમાં માત્ર ઍમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને સુધરાઈનાં વાહનોને પરમિશન આપવામાં આવી છે. ક્રાઉડ મૅનેજમેન્ટ માટે વિશેષ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. જ્યાં ભીડ વધારે દેખાશે ત્યાંથી તેમને ઝડપથી બહાર કાઢવામાં આવશે. બસો અને વિશેષ ટ્રેનોના માધ્યમથી શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. ૩૬૦ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.