હવે તો જાગો, સલાહ માનો, લૉકડાઉનથી જ સંક્રમણની ચેઇન તૂટશે : આઇએમએ

10 May, 2021 01:26 PM IST  |  New Delhi | Agency

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું, બીજી લહેરને રોકવા માટે કોઈ પગલાં નહોતાં ભરાયાં

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)એ કહ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે  ‘જાગી’ જવું જોઈએ અને કોવિડ-19 મહામારીથી પેદા થયેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં લેવાં જોઈએ. 

ડૉક્ટરોના સંગઠન આઇએમએએ પોતાના એક નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેરને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં ભર્યાં નથી. 

નિવેદનમાં કહેવાયું છે કે ‘આઇએમએ એવી માગણી કરે છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે ઊંઘમાંથી જાગવું જોઈએ અને કોવિડ-19 મહામારીના કારણે વધી રહેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં ભરવાં જોઈએ.’

નિવેદન મુજબ ‘કોવિડ-19 મહામારીની બીજી ભયાનક લહેરના કારણે પેદા થયેલા સંકટમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઢીલાશ અને અયોગ્ય નિર્ણયોને લઈને આઇએસએ એકદમ સ્તબ્ધ છે.’

તેમાં કહેવાયું છે કે આઇએમએ છેલ્લા ૨૦ દિવસથી સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા અને સાધનસામગ્રી તથા કર્મચારીઓને ફરીથી તૈયાર કરવા માટે પૂર્ણ અને સુનિયોજિત રાષ્ટ્રીય લૉકડાઉન પર ભાર મૂકી રહ્યું છે. તેમણે કહ્યું છે કે અલગ અલગ લૉકડાઉનથી કંઈ વળશે નહીં. અલગ અલગ રાજ્યો પોતપોતાને સ્તરે લૉકડાઉન લગાવી રહ્યા છે. તેનાથી કોઈ ફાયદો થવાનો નથી. 

આઇએમએએ એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે તેમની વાત માનીને પૂર્ણ લૉકડાઉન લગાવ્યું હોત તો આજે દૈનિક ૪ લાખ કેસ જોવા ન મળ્યા હોત. આજે દરરોજ મધ્યમ સંક્રમિતથી ગંભીર સંક્રમિત થનારા કેસની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. રાતે કરફ્યુ લગાવવાથી કોઈ ફાયદો થયો નથી. 

national news new delhi coronavirus covid19