ગુડ ન્યુઝ : દેશમાં આ વર્ષે ચોમાસું ‘સામાન્ય કરતાં સારું’ રહેવાની આગાહી

14 April, 2021 10:04 AM IST  |  New Delhi | Agency

જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદનો લૉન્ગ પિરિયડ ઍવરેજ ૧૦૩ ટકા રહેશે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં આ વખતે ચોમાસું સામાન્યથી લઈને સામાન્ય કરતાં થોડું સારું રહેવાની સંભાવના છે એવું સ્કાયમેટ વેધર નામની વરસાદની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સીએ ગઈ કાલે જણાવ્યું હતું.

દેશમાં ચોમાસું સારું જશે તો આ સ્થિતિ સતત ત્રીજા વર્ષે જોવા મળી એવું કહી શકાશે.સ્કાયમેટે વર્ષ ૨૦૨૧ માટેની પ્રાથમિક આગાહીમાં જણાવ્યું હતું કે ‘જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદનો લૉન્ગ પિરિયડ ઍવરેજ (એલપીએ) ૧૦૩ ટકા રહેશે અને એમાં પાંચ ટકાની વધ-ઘટ પણ સંભવ છે. એ દૃષ્ટિએ આ વખતનું ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની સંભાવના છે.’

સ્કાયમેટે એવું પણ કહ્યું હતું કે ‘૬૦ ટકા શક્યતા સાધારણ ચોમાસાની છે અને ૧૫ ટકા સંભાવના એવી છે જેમાં વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં સારી રહેશે.’ એલપીએના ૯૬-૧૦૪ ટકા સામાન્ય ચોમાસા તરીકે ગણાય છે અને ૧૦૩ ટકા સામાન્યથી સારા ચોમાસા માટે ઓળખાય છે. સામાન્ય રીતે દેશને ૭૫ ટકાથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમમાં સર્જાતી ચોમાસાની સ્થિતિમાંથી મળે છે.    

ઉત્તરાખંડમાં શુક્ર અને શનિવારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે

આગામી ૧૬ અને ૧૭ એપ્રિલ દરમ્યાન ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તેમ જ આ સંદર્ભે ત્યાં ગઈ કાલે યલો અલર્ટ પણ જાહેર કરાયું હતું. 

વરસાદ પડવાની સાથે પ્રતિ કલાક ૩૦થી ૪૦ કિલોમીટર સુધીનો ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે. દરમ્યાન દેહરાદૂનમાં સોમવારે મિનિમમ ૧૭.૭ ડિગ્રી અને મેક્સિમમ ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

national news uttarakhand new delhi