ભારતમાં જુલાઈ સુધી વૅક્સિનની શૉર્ટેજ રહેશે જ : આદર પૂનાવાલા

04 May, 2021 02:05 PM IST  |  New Delhi | Agency

પૂનાવાલાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે જાન્યુઆરીમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા તો સરકારે આને ઘણી જ હળવાશમાં લીધું.

અદર પૂનાવાલા

દેશમાં કોરોના વાઇરસ મહામારીની બીજી લહેરને પગલે અનેક રાજ્યોમાં બંધ જેવી હાલત છે અને સમગ્ર દેશમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે રસીકરણ અભિયાન દેશમાં શરૂ થયું છે, પરંતુ અનેક રાજ્યોમાં હજી પણ રસીના અભાવથી લોકોને રસી આપી શકાઈ નથી અને ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે રસીના ઉત્પાદક આદર પૂનાવાલાએ પણ ચિંતા વધારી દીધી છે.

તેમણે એક ખાસ મુલાકાતમાં મીડિયાને ચિંતાજનક વાત કરી હતી કે દેશમાં જુલાઈ સુધી રસીનો અભાવ રહેવાનો ખતરો છે, કારણ કે હજી સુધી વ્યવસ્થા સંપન્ન થઈ નથી અને મને ધમકીઓ મળી હોવાથી હું બ્રિટનમાં છું અને અહીં મારું રોકાણ લંબાશે એવું મને લાગે છે.

તેમણે કહ્યું કે હું બ્રિટનમાં ક્યાં સુધી રહીશ એની મને પણ ખબર નથી અને બધી જવાબદારી મારા ખભા પર છે ત્યારે રસીના ઉત્પાદનમાં ગંભીર અવરોધો સરજાયા છે અને એને કારણે કામગીરી બંધ પડી ગઈ છે અથવા તો ખૂબ જ ધીમી થઈ ગઈ છે અને એટલા માટે જુલાઈ માસ સુધી રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં બનાવી શકાશે નહીં.

તેમણે એમ પણ કહ્યું છે કે હવે રસી ઝડપથી અને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે ભારતથી બહાર પણ કામગીરી શરૂ કરવી પડશે અને આ શક્યતા વધુ દેખાય છે અને સંભવતઃ બ્રિટનમાં જ હવે પછીની રસીનું ઉત્પાદન થાય એવી શક્યતા છે એવો ઇશારો પણ તેમણે કરી દીધો છે.

દેશ માટે ચિંતાનો વિષય છે કે જો જુલાઈ માસ સુધી રસીની કમી રહેશે તો દેશનાં અનેક રાજ્યોમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યામાં વધારો થવાનું જોખમ રહેલું છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે એવો ખતરો પણ દેખાઈ રહ્યો છે.

અનેક રાજ્યો પાસે પુરવઠો ખલાસ થઈ ગયો છે અને ઘણાંબધાં રાજ્યોમાં હજી પણ રસીકરણ શરૂ થઈ શકતું નથી ત્યારે આગામી દિવસો વધુ પડકારજનક રહેવાની સંભાવના છે.

પૂનાવાલાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે જાન્યુઆરીમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા તો સરકારે આને ઘણી જ હળવાશમાં લીધું. તેમણે કહ્યું કે દરેકને લાગી રહ્યું હતું કે ભારતે કોરોનાને હરાવવાનું શરૂ કરી દીધું છે. ગયા મહિને જ સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને ૩૦૦૦ કરોડ રૂપિયા ઍડ્વાન્સ આપ્યા જેથી વૅક્સિનના ડોઝ બનાવવાની ક્ષમતાને વધારી શકાય. અદર પૂનાવાલાએ કોવિશીલ્ડ વૅક્સિનની કિંમતને લઈને કહ્યું કે તમારે ૭૦૦ રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.

national news new delhi coronavirus covid19