દેશમાં બ્લૅક ફંગસના 5500 કેસ

25 May, 2021 01:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે બ્લૅક ફંગસ (મ્યુકરમાઇકોસિસ)ના દેશનાં વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૫૪૨૪ કેસ નોંધાયા છે.

વાશીમાં બ્લેક ફંગના દર્દીને તપાસતા ડૉક્ટર. પી.ટી.આઇ.

કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે બ્લૅક ફંગસ (મ્યુકરમાઇકોસિસ)ના દેશનાં વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૫૪૨૪ કેસ નોંધાયા છે. એમાંના મોટા ભાગના લોકો (૪૫૫૬ દરદીઓ) કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયા છે તથા એમાંથી અડધા ભાગના લોકોને ડાયાબિટિઝની પણ બીમારી છે.

દરમ્યાન કેન્દ્રએ રાજ્યોને મ્યુકરમાઇકોસિસને ઍપિડેમિક ડિસિસીઝ ઍક્ટ ૧૯૮૭ હેઠળ રોગચાળા તરીકે જાહેર કરવા કહ્યું છે. કહેવાય છે કે કોવિડ-૧૯ની બીમારીની સારવાર દરમ્યાન સ્ટેરોઇડ્સનો વધુપડતો ઉપયોગ થવાથી એના મોટા ભાગના દરદીઓને બ્લૅક ફંગસ થયો છે.

જમ્મુ-કાશ્મીરમાં બ્લૅક ફંગસને રોગચાળો જાહેર કરાયો
જમ્મુ અને કાશ્મીરના વહીવટી તંત્રએ બ્લૅક ફંગસ (મ્યુકરમાઇકોસિસ)ને રોગચાળા તરીકે જાહેર કર્યો છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બીમારી રોગચાળા તરીકે જાહેર કરવા આપેલી સૂચનાને પગલે વહીવટે આ નિર્ણય લીધો છે.પ્રદેશની તમામ સરકારી તથા પ્રાઇવેટ ક્ષેત્રની આરોગ્યલક્ષી સુવિધાઓને અને મેડિકલ કૉલેજોને સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ તથા મૅનેજમેન્ટ માટેની માર્ગદર્શિકાઓને અનુસરવાનું કહેવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રોએ બ્લૅક ફંગસના દરદી હોવાનું જાણ થતાં તરત જ આ માર્ગરેખા મુજબ સારવાર સહિતનાં પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

દિલ્હીમાં ફંગસના ૫૦૦ કેસ
પાટનગર દિલ્હીમાં કોરોનાની બીજી લહેરમાં રસીની અછત તો સતાવી જ રહી હતી, હવે બ્લૅક ફંગસની બીમારીને કાબૂમાં લેવા એની દવા પણ પૂરતી ઉપલબ્ધ નથી. થોડા દિવસથી શહેરમાં બ્લૅક ફંગસના કેસ વધતા ગયા છે અને એની સંખ્યા વધીને ૫૦૦થી પણ વધી ગઈ છે. 

ટેસ્ટ જવાબદાર : ડૉક્ટર્સ
કેટલાક સરકારી ડૉક્ટરોનું કહેવું છે કે ‘બ્લૅક ફંગસના ૬૦ ટકા દરદીઓએ કોવિડની સારવાર દરમ્યાન ન તો સ્ટેરૉઇડ લીધું હતું અને ન તેઓ ઑક્સિજન પર હતા. આરટી-પીસીઆર ટેસ્ટ દરમ્યાન નાકમાં નાખવામાં આવેલા સ્વૅબ ફંગસનાં ફેલાવા માટેનું કારણ હોઈ શકે.’

national news new delhi coronavirus covid19 covid vaccine vaccination drive