કોરોનાનો બ્રિટિશ વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે, પણ ઘાતક નથી

14 April, 2021 09:36 AM IST  |  New Delhi | Agency

સૌથી પહેલાં બ્રિટનમાં મળેલો નોવેલ કોરોના વાઇરસનો વેરિઅન્ટ ભારે વાઇરલ લોડને કારણે વધારે ચેપી, સંસર્ગજન્ય અને ઝડપથી ફેલાતો હોવાનું જણાય છે, પરંતુ એ બ્રિટિશ વેરિઅન્ટમાં તીવ્ર ઘાતકતા નથી

પ્રતીકાત્મક તસવીર

સૌથી પહેલાં બ્રિટનમાં મળેલો નોવેલ કોરોના વાઇરસનો વેરિઅન્ટ ભારે વાઇરલ લોડને કારણે વધારે ચેપી, સંસર્ગજન્ય અને ઝડપથી ફેલાતો હોવાનું જણાય છે, પરંતુ એ બ્રિટિશ વેરિઅન્ટમાં તીવ્ર ઘાતકતા નથી. લંડનની હૉસ્પિટલના દરદીઓના અભ્યાસમાં પણ કોવિડ-૧૯ના ઓરિજિનલ સ્ટ્રેન કરતાં બ્રિટિશ સ્ટ્રેન વધારે ચેપી અને ફેલાવાની ક્ષમતા ધરાવતો હોવાનું સિદ્ધ થયું છે. 
સેલ્ફ રિપોર્ટિંગ કોવિડ-૧૯ સિમ્પ્ટૉમ ઍપમાં એકઠા થયેલા ૩૭,૦૦૦ બ્રિટિશ યુઝર્સના ડેટાના અભ્યાસમાં B.1.1.7. વેરિઅન્ટથી સિમ્પ્ટૉમ્સ બદલાતા હોવાનું કે કોવિડની અસર લાંબો વખત રહેતી હોવાનું નોંધાયું નથી. બન્ને અભ્યાસોનાં તારણો અન્ય અભ્યાસો કરતાં જુદાં જણાય છે અને વધુ સંશોધન તેમ જ કોરોના રોગચાળાની સ્થિતિઓનું મૉનિટરિંગ વધારવાની જરૂર જણાય છે. લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ ઍન્ડ લેન્સેટ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત લેખમાં જણાવવામાં આવ્યું છે કે B.1.1.7. વેરિઅન્ટથી અસરગ્રસ્તોને સિમ્પ્ટૉમ્સ વધારે ગંભીર પ્રકારના હોવાનું અને અન્ય કોવિડ વેરિઅન્ટ્સની સરખામણીમાં B.1.1.7. વેરિઅન્ટથી કોવિડ ઇન્ફેક્શન લાંબા વખત માટે રહેવાના જોખમના કોઈ પુરાવા મળ્યા નથી. આ B.1.1.7. સ્ટ્રેન-બ્રિટિશ વેરિઅન્ટ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં મળેલા વાઇરલ સ્ટ્રેનની સરખામણીમાં વધુ લોકોને વધારે પ્રમાણમાં ચેપ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ બીમારીની તીવ્રતા અને ઘાતકતા સરખામણીમાં ઓછી છે.   

વૅક્સિનની તંગી નથી, પ્લાનિંગનો અભાવ છે : આરોગ્ય મંત્રાલય

દેશમાં કોરોના-વિરોધી રસીની અછત હોવાની વાતો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે ખુલાસો કર્યો હતો કે દેશમાં વૅક્સિનની તંગી નથી, પરંતુ યોગ્ય આયોજનનો અભાવ હોવાથી કેટલાંક રાજ્યોમાં રસીકરણની બાબતમાં અવ્યવસ્થા સર્જાઈ છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે ‘રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ મળીને ૧૩,૧૦,૯૦,૩૭૦ વૅક્સિન-ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે જેમાંથી સામાન્ય બગાડ સહિતના વપરાશનો આંકડો જોઈએ તો ૧૧,૪૩,૬૯,૬૭૭ ડોઝ વપરાયા છે. ૧.૬૭ કરોડ ડોઝ હજી વપરાયા વગરના પડ્યા છે.’

દેશમાં ૮૭૯ મૃત્યુ અને ૧,૬૧,૭૩૬ નવા કેસ

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે સવારે ૮ વાગ્યે જાહેર કરેલા ચોવીસ કલાકના આંકડા મુજબ કોરોના ઇન્ફેક્શનના ૧,૬૧,૭૩૬ નવા કેસ નોંધાયા હતા અને ૮૭૯ જણ મૃત્યુ પામ્યા હતા. એ સાથે અત્યાર સુધીના કુલ કેસિસનો આંક ૧,૩૬,૮૯,૪૫૩ અને કુલ મરણાંક ૧,૭૧,૦૫૮ પર પહોંચ્યો હતો. સાજા થયેલા દરદીઓની સંખ્યા ૧,૨૨,૫૩,૬૯૭ પર પહોંચવા સાથે રિકવરી રેટ ઘટીને ૮૯.૫૧ ટકા નોંધાયો હતો. ઍક્ટિવ કેસલોડમાં સતત ૩૪મા દિવસે વૃદ્ધિ નોંધાઈ હતી.   હાલ કોરોનાગ્રસ્તોનો મૃત્યુદર ૧.૨૫ ટકા છે.

national news coronavirus covid19 new delhi