23 February, 2026 08:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મેરઠમાં જનસભાને સંબોધન કરી રહેલા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાને મેરઠમાં રૅપિડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું એ પછી કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે જો તમારે પ્રાઇમ મિનિસ્ટર બનવું હોય તો લોકોનાં દિલ જીતો
દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં કપડાં ઉતારીને પ્રદર્શન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગઈ કાલે મેરઠમાં મેટ્રો રેલ સર્વિસનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જાહેર રૅલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી AI સમિટ ભારતમાં યોજાઈ હતી. ૮૦થી વધારે દેશના પ્રતિનિધિઓ આવ્યા એનો આખા દેશને ગર્વ હતો, પરંતુ કૉન્ગ્રેસ પાર્ટી અને એની ઇકોસિસ્ટમે શું કર્યું? તેમણે એક વૈશ્વિક કાર્યક્રમને ગંદા અને નગ્ન રાજકારણના મેદાનમાં ફેરવી દીધો. કૉન્ગ્રેસના નેતાઓ વિદેશી મહેમાનોની સામે નગ્ન થઈને પહોંચ્યા હતા.
ગઈ કાલે નમો ભારત અને મેરઠ મેટ્રોને લીલી ઝંડી આપ્યા પછી નરેન્દ્ર મોદીએ મેટ્રોની સફર પણ કરી હતી. એ દરમ્યાન તેમણે કેટલાંક બાળકો સાથે વાતચીત કરી હતી. બાળકોએ તેમને કેટલીક તસવીરો અને પેઇન્ટિંગ્સ દેખાડ્યાં હતાં.
આ મુદ્દે આકરા પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હું કૉન્ગ્રેસીઓને પૂછું છું કે દેશ જાણે છે કે તમે પહેલેથી જ નગ્ન છો, તમારે કપડાં ઉતારવાની જરૂર કેમ પડી? કૉન્ગ્રેસના નેતાઓએ જે કર્યું એ દર્શાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી વૈચારિક રીતે કેટલી નાદાર અને ગરીબ બની ગઈ છે. દિલ્હીમાં શું થયું એ જુઓ. શું તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC), દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) કે બહુજન સમાજ પાર્ટી (BSP)એ કોઈ પાપ કર્યું? ના, ફક્ત કૉન્ગ્રેસના માથાફરેલા અને બેકાબૂ નેતાઓ જ દેશને બરબાદ કરવા માટે તૈયાર છે.’
દેશ કૉન્ગ્રેસ પર થૂ-થૂ કરે છે
કૉન્ગ્રેસને નિશાન પર લેતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના નેતાઓને મોદીથી નફરત છે, તેઓ મારી કબર ખોદવા માગે છે, મારી માતાને ગાળ આપવામાં તેમને કંઈ ખરાબ લાગતું નથી; પરંતુ કૉન્ગ્રેસે યાદ રાખવું જોઈએ કે આ AI ગ્લોબલ સમિટ BJPનો કાર્યક્રમ નહોતો કે એ સમયે BJPનો કોઈ નેતા હાજર નહોતો. આખો દેશ કૉન્ગ્રેસની આ નીતિની નિંદા કરી રહ્યો છે, થૂ-થૂ કરી રહ્યો છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આટલી જૂની પાર્ટીના નેતાઓ શરમ અનુભવવાને બદલે ગાજી રહ્યા છે. તેઓ દેશનું અપમાન કરનારાઓને બેશરમીથી પ્રોત્સાહન આપી રહ્યા છે.’
સંસ્કારોનો આપ્યો હવાલો
દેશના સંસ્કારોનો હવાલો આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આપણે એવા લોકો છીએ કે જ્યારે પણ ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય છે ત્યારે આખું ગામ એને સફળ બનાવવા માટે તમામ પ્રયત્નો કરે છે, જેથી મહેમાનો ગામની સારી છબિ સાથે જાય. કૉન્ગ્રેસ પોતાના દેશને બદનામ કરવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં જે થયું છે એનાથી તેમના સાથી પક્ષો પણ ચોંકી ગયા છે.’
માતા-બહેનોને આગળ કરી?
બજેટ સત્ર દરમ્યાન વડા પ્રધાનની ચૅર પાસે ધસી આવીને પ્રદર્શન કરનારી કૉન્ગ્રેસ મહિલા સંસદસભ્યોને નિશાના પર લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘વડા પ્રધાનની ખુરસી પર બેસવું હોય તો જનતાનું દિલ જીતવું પડે. મહિલા સંસદસભ્યોને મોકલીને સીટ કબજે નથી કરી શકાતી. તમે એટલા ખોખલા થઈ ગયા છો કે માતાઓ-બહેનોને આગળ કરી રહ્યા છો.’
પાપ કૉન્ગ્રેસનાં, ભોગવે સાથી-પક્ષો
કૉન્ગ્રેસના નેતાઓની બેશરમીના મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ‘આવું કૉન્ગ્રેસમાં સતત ચાલી રહ્યું છે. જ્યારે તેઓ પોતે સંસદમાં પર્ફોર્મ કરી શકતા નથી ત્યારે તેઓ તેમના સાથી પક્ષોને પણ બોલવાની તક આપતા નથી. તેઓ ગૃહને કામ કરવા દેતા નથી. સૌથી વધુ નુકસાન કૉન્ગ્રેસના સાથી પક્ષોને થાય છે. હું રાષ્ટ્રીય મીડિયાને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ તેઓ આવી કાર્યવાહીની ટીકા કરે ત્યારે કૃપા કરીને ‘મોદીએ વિપક્ષને ધોઈ નાખ્યો છે’ જેવી હેડલાઇન્સ બનાવવાનું ટાળે. ‘વિપક્ષ-વિપક્ષ’નો ઉપયોગ કરીને તેઓ કૉન્ગ્રેસને બચાવી રહ્યા છે. વિપક્ષમાં મારા જે અન્ય સાથી પક્ષો છે તેઓ પણ સમજી ગયા છે કે પાપ કૉન્ગ્રેસ કરે છે અને પરિણામો તેમણે ભોગવવાં પડે છે.’