હવે શરૂ થઈ છે મધ્ય પ્રદેશના અમરનાથની યાત્રા

22 July, 2025 10:23 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પચમઢીની સાતપુડા પર્વતમાળામાં આવેલું નાગદ્વાર મંદિર ભક્તો માટે વર્ષમાં માત્ર ૧૦ દિવસ ખૂલે છે

મધ્ય પ્રદેશમાં પહાડોથી ઘેરાયેલું અનોખું શિવધામ નાગદ્વાર મંદિર

મધ્ય પ્રદેશમાં પહાડોથી ઘેરાયેલું અનોખું શિવધામ નાગદ્વાર મંદિર છે જે વર્ષમાં ફક્ત ૧૦ દિવસ ખૂલે છે. આ વર્ષે એ ૧૯ જુલાઈએ ખૂલી ગયું છે અને ૨૯ જુલાઈ સુધી ભાવિકો માટે ખુલ્લું રહેશે.

મધ્ય પ્રદેશની સાતપુડા પર્વતમાળામાં પવિત્ર તીર્થસ્થાન નાગદ્વાર મંદિર આવેલું છે જેને મધ્ય પ્રદેશનું અમરનાથ કહેવામાં આવે છે. નર્મદાપુરમ જિલ્લાનું પચમઢી શહેર મહાદેવનું ઐતિહાસિક શહેર છે. અહીં શિવ પોતે દરેક કણમાં હાજર છે. નાગદ્વાર મંદિરની યાત્રા પણ અમરનાથ યાત્રાની જેમ ખૂબ મુશ્કેલ છે. નાગદ્વાર મંદિર શિવનાં પ્રાચીન સ્થળોમાંનું એક છે. આ રહસ્યમય મંદિર ગાઢ જંગલો, ઊંચા પર્વતો અને ઊંડી ખાઈઓમાં છુપાયેલું છે. અમરનાથના બાબા બર્ફાનીની જેમ  ભક્તો માટે એ વર્ષમાં ફક્ત ૧૦ દિવસ ખૂલે છે.

અહીં પહોંચવા માટે ૨૦ કિલોમીટરની મુશ્કેલ યાત્રામાં ૭ દુર્ગમ ટેકરીઓ પાર કરવી પડે છે. એ પછી જ ભક્તોને ભગવાન શિવનાં દર્શન થાય છે. શિવનાં દર્શન કરવા માટે ભક્તોએ પ્રકૃતિના પડકારનો સામનો કરવો પડે છે. શ્રાવણ મહિનામાં લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ વર્ષે દેશભરમાંથી લગભગ પાંચથી ૬ લાખ ભક્તો ત્યાં પહોંચશે એવી અપેક્ષા છે. પચમઢીના નાગદ્વાર મંદિરને નાગરાજની દુનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાત્રા લગભગ ૧૦૦ વર્ષથી ચાલી રહી છે.

madhya pradesh religion religious places amarnath yatra culture news national news news hinduism