કોરોનાના કેસના મામલે દિલ્હીએ મુંબઈને પછાડ્યું

16 April, 2021 03:53 PM IST  |  New Delhi | Agency

એક જ દિવસમાં 17,000થી વધુ નવા કેસ, વૃદ્ધો કરતા યુવાનો બન્યા ઘાતક વાઈરસના વધુ શિકાર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા જુવાળનો સામનો કરી રહેલા દિલ્હીએ ગઈ કાલે નવા કેસના મામલે મુંબઈને પછાડ્યું હતું. ગઈ કાલે દિલ્હીમાં ૧૭,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં અત્યાર સુધી ૪ એપ્રિલે સૌથી વધુ ૧૧,૧૬૩ નવા કેસ નોંધાયા છે, તો દિલ્હીમાં બુધવારે ૧૭,૨૮૨ નવા કેસ નોંધાયા હતા તેમ જ ૧૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આમ દિલ્હીમાં મુંબઈ કરતાં ઘણી મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે. ડૉક્ટરો પણ વધેલા કેસને કારણે આશ્ચર્ય પામ્યા છે. 

 દિલ્હીમાં અગાઉ ગઈ ૧૧ નવેમ્બરે ૮૫૯૩ નવા કેસ નોંધાયા હતા. ત્યાર બાદ આ વર્ષની ૧૧ એપ્રિલે ૧૩,૪૬૮ કેસ નોંધાયા હતા. મુંબઈમાં બુધવાર સુધી કુલ ૧,૩૦,૨૨૮ કેસ નોંધાયા છે તેમ જ ૪૬૪ લોકોનાં મોત થયાં છે.  દિલ્હીની ફોર્ટિસ હૉસ્પિટલના રિચા સરિને કહ્યું હતું કે ‘જે પ્રમાણે રોગચાળો વકરી રહ્યો છે એ જોતાં પહેલાં કરતાં વધુ ઘાતક વાઇરસ છે. 

વળી વૃદ્ધો કરતાં યુવાનો આનો શિકાર વધુ બન્યા છે. વૃદ્ધોએ તો રસી લીધી છે, પણ યુવાનોએ નથી લીધી. વળી તેઓ હજી પણ બહાર ફરી રહ્યા છે, પાર્ટીઓ કરી રહ્યા છે એને કારણે તેમને ચેપ લાગવાનો ડર વધુ છે.’

દેશમાં નવા કોવિડ કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોવિડ-19ના બે લાખ કરતાં વધુ એટલે કે કુલ ૨,૦૦,૭૩૯ નવા કેસ નોંધાતાં દેશમાં કોવિડના કેસનો કુલ આંકડો ૧,૪૦,૭૪,૫૬૪ પર પહોંચ્યો હતો, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ૧૪ લાખને પાર પહોંચી હોવાનું કેન્દ્ર દ્વારા ગઈ કાલે જાહેર કરાયેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. આ ૨૪ કલાકમાં ૧૦૩૮ મૃત્યુ સાથે મરણાંક વધીને ૧,૭૩,૧૨૩ પર પહોંચ્યો છે, જે ૩ ઑક્ટોબર, ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. નવમા દિવસે એક લાખ વધુ નવા કેસ નોંધાવાની સાથે ૯ દિવસમાં દેશમાં કુલ ૧૩,૮૮,૫૧૫ નવા કેસ નોંધાયા છે. 

કેજરીવાલે વીક-એન્ડ કરફ્યુ જાહેર કરી દીધો

છેલ્લા થોડા દિવસોથી કોરોના વાઇરસ મહામારીએ માઝા મૂકતાં બ્રેક ધ ચેઇન પહેલ હેઠળ દેશની રાજધાની દિલ્હીમાં વીક-એન્ડ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હોવાની જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. 

કોવિડના કેસમાં નોંધાયેલી અમર્યાદ વૃદ્ધિને ધ્યાનમાં લેતાં અરવિંદ કેજરીવાલે વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી દિલ્હીમાં વીક-એન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી, જેમાંથી આવશ્યક સેવાઓને રાહત આપવા ઉપરાંત લોકોમાં ગભરાટ ફેલાતો રોકવા જેમના ઘરમાં લગ્નપ્રસંગ હોય તેમને થોડા પાસ આપવામાં આવ્યા હતા. 

કેજરીવાલે કહ્યું કે હૉસ્પિટલ, રેલવે-સ્ટેશન ઍરપોર્ટ જેવાં સ્થળોની મુલાકાત અવરોધાશે નહીં તથા જેમનાં લગ્ન અગાઉથી નક્કી છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એની કાળજી રાખવામાં આવશે

વિદેશી રસીઓ વિશે ત્રણેક દિવસમાં નિર્ણય લઈ લેવાશે

વિદેશોમાં ઉત્પાદિત ઍન્ટિ કોવિડ વૅક્સિન્સની જરૂરિયાત વખતે મર્યાદિત પ્રમાણમાં ‘ઇમર્જન્સી યુઝ’ની પરવાનગી માટેની અરજીઓ સુપરત કર્યા પછી ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે એવું ડ્રગ્સ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયાનાં સૂત્રોએ જણાવ્યું હતું. ગુરુવારે સવારે ૮ વાગ્યે દેશમાં ૨૪ કલાકના કેસનો આંકડો બે લાખને પાર કરી જતાં દરદીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા ૧,૪૦,૭૪,૫૬૪ નોંધાઈ હતી. નવા કેસમાં સતત વૃદ્ધિને પગલે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ઉપરોક્ત જાહેરાત કરી હતી. 

new delhi coronavirus covid19 national news