06 December, 2025 09:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત બાદ રશિયન પ્રેસિડન્ટે વિઝિટર્સ બુકમાં ભારતની મુલાકાત વિશેનો અનુભવ લખ્યો હતો.
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૨૪ કલાકમાં એકબીજાને ૪ વાર મળ્યા હતા. જોકે આમ છતાં બેઉ દેશો વચ્ચે કોઈ મોટા સંરક્ષણસોદાની જાહેરાત કરવામાં આવી નહોતી. બન્ને નેતાઓએ સાથે ખાનગી રાત્રિભોજન, દ્વિપક્ષીય બેઠક, સંયુક્ત પત્રકાર-પરિષદ અને ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું. અગાઉના ઘણા અહેવાલોમાં ભારત અને રશિયા વચ્ચે ફાઇટર જેટ અથવા મોટા સંરક્ષણસોદાનો સંકેત આપવામાં આવ્યો હતો, પણ આવું કંઈ જોવા મળ્યું નહોતું.
જોકે ભારત અને રશિયા વચ્ચે કુલ ૧૯ કરારો પર હસ્તાક્ષર થયા હતા અને તેમનો ઉદ્દેશ ભારત-રશિયા વેપાર વધારવાનો છે. જહાજ નિર્માણ, ધ્રુવીય સમુદ્રમાં ભારતીય ખલાસીઓને તાલીમ આપવી, નવી શિપિંગ લેનમાં રોકાણ, નાગરિક પરમાણુ ઊર્જા અને મહત્ત્વપૂર્ણ ખનિજો (ક્રિસ્ટલ મિનરલ્સ) પર કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાને સૌથી નજીકના સાથીઓમાંના એક તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા ધ્રુવના તારા જેટલી સ્થિર અને અટલ છે. પુતિને કહ્યું હતું કે ‘અમારી ટીમ ફક્ત તેલ અને ગૅસની ચર્ચા કરવા અથવા સોદા કરવા માટે ભારત આવી નથી. અમે ભારત સાથે દરેક ક્ષેત્રમાં સંબંધો અને વેપાર વધારવા માગીએ છીએ.’
નરેન્દ્ર મોદીએ રશિયાની સેનામાં ભરતી થયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો
પુતિનની સાથે અનેક વેપારી અને વિકાસની ચર્ચાઓની સાથે નરેન્દ્ર મોદીએ રશિયામાં ભરતી કરવામાં આવેલા ભારતીય નાગરિકોના મુદ્દાને પણ મજબૂતીથી ઉઠાવ્યો હતો. તેમણે આગ્રહ કર્યો હતો કે ત્યાં ફસાયેલા ભારતીયોને જલદીથી છોડવામાં આવે અને સુરક્ષિત ભારત પહોંચાડવામાં આવે.
દ્વિપક્ષીય વાર્તાલાપમાં ભારત અને રશિયા વચ્ચે આ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને નિર્ણયો લેવાયા હતા
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જહાજ-નિર્માણમાં પરસ્પરને સહયોગ આપશે.
યુરેશિયન આર્થિક સંઘ સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) પર કામ કરશે.
રશિયન નાગરિકોને ૩૦ દિવસના ફ્રી ઈ-ટૂરિસ્ટ વીઝા અને ૩૦ દિવસના ગ્રુપ-ટૂરિસ્ટ વીઝા અપાશે.
રશિયામાં ભારતનાં બે નવાં વાણિજ્ય દૂતાવાસો ખોલવામાં આવશે.
રશિયા કોઈ રોકટોક વિના સાતત્યપૂર્વક ફ્યુઅલ-સપ્લાય આપતું રહેશે.
ભારત-રશિયાનો બિઝનેસ એક વર્ષમાં ૧૨ ટકા વધ્યો. બે દેશો વચ્ચે ૬૦ અબજ ડૉલરનો વેપાર થઈ રહ્યો છે અને હવે ૧૦૦ અબજ ડૉલરના વેપારનો ટાર્ગેટ.
ભારત-રશિયા મળીને ભારતમાં સૌથી મોટો ન્યુક્લિયર પાવરપ્લાન્ટ બનાવશે.
નવા આંતરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ રૂટ તૈયાર કરવામાં આવશે. બેલારુસથી ડાયરેક્ટ હિન્દ મહાસાગરમાં સામાન પહોંચશે.
ભારતમાં રશિયા ટુડે નામની ચૅનલ લૉન્ચ કરવામાં આવશે.
મુર્શિદાબાદનો સિલ્વર ટી-સેટ અને આસામની ચા ગિફ્ટમાં આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને આસામની ચા મુર્શિદાબાદનો સિલ્વરનો ટી-સેટ ભેટમાં આપ્યાં છે.
મુર્શિદાબાદનો સિલ્વર ટી-સેટ જટિલ કોતરણી કરેલો છે અને એ પશ્ચિમ બંગાળની કલા અને ચાના સાંસ્કૃતિક મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે.
મહારાષ્ટ્રમાં હસ્તશિલ્પથી તૈયાર કરવામાં આવેલો ચાંદીનો ઘોડો. રશિયન સંસ્કૃતિમાં ઘોડો સન્માન અને સાહસનું પ્રતીક છે.
આગરામાં તૈયાર થયેલો હસ્તશિલ્પ માર્બલનો ચેસ સેટ. એમાં મોતી, વિવિધ રંગના પથ્થરના પ્યાદા અને ફૂલોની ડિઝાઇનનું ચેકરબોર્ડ છે.
વડા પ્રધાને રશિયન ભાષામાં ટ્રાન્સલેટ થયેલી શ્રીમદ ભગવદ્ગીતા રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.
કાશ્મીરનું જાણીતું કેસર.