09 September, 2025 10:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મેહુલ ચોકસી
પંજાબ નૅશનલ બૅન્ક ગોટાળાના આરોપી મેહુલ ચોકસી અત્યારે બેલ્જિયમની જેલમાં બંધ છે. ભારત સરકાર તેના પ્રત્યર્પણની કોશિશમાં લાગી છે. ૬૬ વર્ષના બિઝનેસમૅન પર ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ છે. ભારતે બેલ્જિયમ સરકારને ભરોસો અપાવ્યો છે કે મેહુલ ચોકસીને મુંબઈની આર્થર રોડ જેલમાં તેના માનવ અધિકારો મુજબની તમામ સુવિધા આપવામાં આવશે.
એ માટે ભારતે બેલ્જિયમને એક પત્ર લખીને મોકલ્યો છે જેમાં કહેવાયું છે કે મેહુલ ચોકસીને અલાયદી બૅરેક નહીં અપાય, પરંતુ બૅરેક નંબર ૧૨માં જ્યાં ઓછા કેદીઓ છે ત્યાં રાખવામાં આવશે. તેને સાફસૂથરી ચટાઈ, તકિયો, ચાદર અને બ્લૅન્કેટ આપવામાં આવશે. મેડિકલ ગ્રાઉન્ડ પર જરૂરી હશે તો લાકડા કે લોખંડનો પલંગ આપવામાં આવશે. તેને જેલમાં ચોખ્ખું પાણી, ૨૪ કલાક મેડિકલ સુવિધા અને દિવસમાં ત્રણ વાર ખાવાનું મળશે. મેડિકલ કારણસર ખાસ ડાયટની જરૂર પડી તો એ પણ મળશે. તેની બૅરેકની સાફસફાઈ દરરોજ થશે અને એમાં પૂરતાં હવા-ઉજાસ હશે. તેને રોજ એક કલાક બહાર ટહેલવાની, વ્યાયામ કરવાની, રમવાની કે મનોરંજન માટે સમય ગાળવાની છૂટ મળશે જેમાં બોર્ડગેમ્સ કે બૅડ્મિન્ટન જેવી રમતો રમી શકશે. મુંબઈનું વાતાવરણ સામાન્ય રહેતું હોવાથી તેને હીટિંગ કે ઍર-કન્ડિશનિંગની જરૂર નથી.
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં મેહુલ ચોકસીને ભારત લાવવામાં આવે એવી સંભાવના છે.