સરકારની ખોટી નીતિઓને કારણે મંદીમાં સપડાઈ છે અર્થવ્યવસ્થા : મનમોહન સિંહ

02 September, 2019 07:49 AM IST  | 

સરકારની ખોટી નીતિઓને કારણે મંદીમાં સપડાઈ છે અર્થવ્યવસ્થા : મનમોહન સિંહ

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે દેશના જીડીપી ગ્રોથમાં થયેલા ઘટાડાને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ઇકૉનૉમિક સ્લોડાઉન માટે મોદી સરકારને જવાબદાર ગણવતાં જણાવ્યું છે કે ‘આ મેન મેડ ક્રાઇસિસ છે જે અયોગ્ય મૅનેજમેન્ટને કારણે ઉત્પન્ન થઈ છે.’ અર્થશાસ્ત્રના જાણકાર મનમોહન સિંહે જણાવ્યું કે ‘ગયા ત્રિમાસિકમાં ભારતનો વિકાસદર પાંચ ટકા રહ્યો. આનાથી ખબર પડે છે કે દેશ લાંબી મંદીના ભરડામાં છે. ભારતની પાસે વધારે ઝડપથી ગ્રોથની ક્ષમતા છે, પરંતુ મોદી સરકારના અયોગ્ય મૅનેજમેન્ટને કારણે સ્થિતિ વણસી છે.’

મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરના નબળા ગ્રોથ પર મોદી સરકારને આડે હાથ લેતાં મનમોહન સિંહે જણાવ્યું હતું કે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ માત્ર ૦.૬ ટકા રહ્યો હતો એથી સ્પષ્ટ છે કે આપણી ઇકૉનૉમી અત્યાર સુધી નોટબંધી જેવી માનવસર્જિત ભૂલોથી બહાર આવી શકી નથી. આ ઉપરાંત ખોટી રીતે લાગુ કરાયેલા જીએસટીને કારણે પણ સ્થિતિ વધારે ખરાબ થઈ છે.’
મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે ‘ઘરેલુ માગ અને વપરાશમાં ગ્રોથ ૧૮ માસના નીચલા સ્તરે છે. જીડીપી ગ્રોથ પણ ૧૫ વર્ષમાં સૌથી ઓછો છે. આ ઉપરાંત ટૅક્સ રેવન્યુમાં પણ ઘટાડો થયો છે. નાનાથી લઈને મોટા વેપારીઓમાં ટૅક્સ ટેરરિઝમનો ભય છે. રોકાણકારોમાં શંકાનો માહોલ છે અને આ તમામ સંકેતોથી ખબર પડે છે કે અર્થતંત્રની રિક્વરી હાલમાં શક્ય નથી.’
મોદી સરકાર પર જૉબલેસ ગ્રોથને વધારવાનો આક્ષેપ કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાને દાવો કર્યો કે માત્ર ઑટોમોબાઇલ સેક્ટરમાં જ ૩.૫ લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયે નોકરીઓ ગઈ છે જેનાથી નબળા વર્ગના મજૂરોની સામે અજીવિકાનું સંકટ ઊભું થયું છે. ગ્રામીણ ભારતમાં સ્થિતિ વિપરીત છે. ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો અને ગ્રામીણ આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મોદી સરકાર નીચા મોંઘવારી દરને પોતાની સફળતા ગણાવી રહી છે, પરંતુ આ ખેડૂતોની કિંમત પર છે, જે દેશની વસ્તીનો ૫૦ ટકા ભાગ છે.

આ પણ વાંચો: પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાૅન્સ્યુલર ઍક્સેસ આપશે

ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ (૨૦૧૯-૨૦)ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં જીડીપીનો વિકાસદર (ગ્રોથ રેટ) ઘટીને ૫ ટકા રહ્યો છે. એનાથી ઓછો ૪.૯ ટકા એપ્રિલ-જૂન ૨૦૧૨માં હતો. ગયા ત્રિમાસિકમાં મૅન્યુફૅક્ચરિંગ સેકટરની ગતિવિધિઓમાં થયેલા ઘટાડા અને કૃષિ ઉત્પાદનમાં થયેલા ઘટાડાની અસર જીડીપી ગ્રોથ પર વધુ થઈ છે.

manmohan singh gujarati mid-day