31 January, 2025 02:11 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણીની ફાઇલ તસવીર
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamta Kulkarni Removed) હાલ ચર્ચામાં આવી હતી. તાજેતરમાં જ તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદ આપવામાં આવ્યું હતું. પણ હવે તેને આ પદ પરથી હટાવી દેવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, જ્યારથી મમતાને અખાડાના મહામંડલેશ્વરના પદ પર મૂકવામાં આવી હતી ત્યારથી વિવાદ થઈ જ રહ્યો હતો કે એક સ્ત્રી કઈ રીતે અખાડાના મહામંડલેશ્વરના પદ પર નિયુક્ત કરી શકાય? હવે, તેને હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે.
લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ હટાવાયા – નવા આચાર્ય કોણ ?
કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસ દ્વારા આ કાર્યવાહી (Mamta Kulkarni Removed) કરવામાં આવી હોવાનું કહેવાય છે. અભિનેત્રીને પદભ્રષ્ટ કરવાની સાથોસાથ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. બંનેને અખાડામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અજય દાસે આજે આ વિષેની જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે કિન્નર અખાડાનું નવેસરથી આયોજન કરવામાં આવશે. તેમજ નવા આચાર્ય મહામંડલેશ્વરની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
થોડા સમય પહેલા જ લક્ષ્મી નારાયણે એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે, "કિન્નર અખાડા મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા જઈ રહ્યું છે. તેમનું નામ શ્રી યામાઈ મમતા નંદગીરી રાખવામાં આવ્યું છે” અભિનેત્રી મમતા કુલકર્ણીએ પણ પોતે આ પદ સ્વીકારતા કહ્યું હતું કે, “આ મહાદેવ, મહાકાળીનો આદેશ હતો. આ મારા ગુરુનો આદેશ હતો. તેઓએ આ દિવસ પસંદ કર્યો. મેં તો કંઈ જ કર્યું નથી."
હમણાં જ મમતા કુલકર્ણી (Mamta Kulkarni Removed)એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં પિંડદાન કરીને સન્યાસ અપનાવ્યો હતો. ભવ્ય પટ્ટાભિષેક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યાં બાદ મમતા કુલકર્ણીને શ્રી યમાઈ મમતા નંદગીરી તરીકેની ઓળખાણ મળી હતી. જ્યારે મમતાને આ પદ પર બેસાડવામાં આવી હતી ત્યારે તેણે પોતે એ વાતની કબૂલાત કરી હતી કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમની 23 વર્ષની તપસ્યાને પિછાણી હતી. અને તેની પરીક્ષા સુદ્ધાં લેવામાં આવી હતી, જેમાં તે ઉત્તીર્ણ થઈ હતી. ત્યારબાદ જ તેને મહામંડલેશ્વરનું પદ સોંપવામાં આવ્યું હતું. તેઓને આ પદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ મમતા કુલકર્ણીએ ફરી ક્યારેય બૉલીવુડમાં ન આવવાનું વચન પણ આપ્યું હતું.
Mamta Kulkarni Removed: કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસ અને આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી આ બંને વચ્ચે ઘમસાણ શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. કહેવાય છે કે અજય દાસે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને છૂટા કરવાની તૈયારી પણ કરી લીધી છે.