સાધુનો સ્ફોટક દાવો : બસમાંથી ઊતરેલા ૧૫-૨૦ યુવાનોએ ધક્કામુક્કી શરૂ કરી, મહાકુંભને બદનામ કરવાનું આ કાવતરું

31 January, 2025 10:25 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

પ્રયાગરાજમાં નાસભાગની એક નહીં, બે ઘટના બની હતી; બીજી ઘટના ઝુંસી વિસ્તારમાં બની હતી જેનો ઉલ્લેખ લોકોમાં ગભરાટ ન ફેલાય એ માટે નહોતો કરવામાં આવ્યો

પ્રયાગરાજમાં ગઈ કાલે શબઘરની બહાર પોતાના સ્વજનની ઓળખ માટે તેમના ફોટો સાથે રાહ જોતા લોકો.

પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાની વહેલી સવારે માત્ર સંગમ ક્ષેત્રમાં નાસભાગની એક ઘટના નહોતી બની, બીજી આવી જ દુર્ઘટના ઝુંસી વિસ્તારમાં સેક્ટર ૨૧માં સવારે છ વાગ્યાની આસપાસ બની હતી. આ વિસ્તાર સંગમ તટથી બે કિલોમીટર દૂર છે અને ત્યાં કોઈ રિપોર્ટર પણ હાજર નહોતો. પોલીસે ત્યાં લોકોને વિડિયો ઉતારવાની પણ ના પાડી દીધી હતી.

આ દુર્ઘટનાની જાણકારી મીડિયાને પણ આપવામાં આવી નહોતી, કારણ કે એમ કરવા જતાં મૌની અમાવસ્યાએ સંગમમાં સ્નાન કરવા આવેલા કરોડો શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ જવાનો ડર હતો. લોકોમાં ડર ન ફેલાય અને તેઓ આરામથી સ્નાન કરીને પ્રયાગરાજની બહાર જતા રહે એથી આ દુર્ઘટનાની જાણકારી અપાઈ નહોતી. પ્રશાસને જણાવ્યું હતું કે બેઉ નાસભાગનો કુલ મૃત્યુઆંક ૩૦ હતો.

પોતાના પરિવારથી છૂટા પડી ગયેલા એક વડીલ ગઈ કાલે મહાકુંભના ખોયા પાયા સેન્ટરમાં.

ઝુંસી વિસ્તારમાંથી પણ સંગમ સુધી જઈ શકાય છે અને તેથી અહીં સવારના પહોરમાં કરોડો ભાવિકો એકઠા થયા હતા. અહીં એકઠી થયેલી ભીડ આઉટ ઑફ કન્ટ્રોલ હતી અને તેઓ બૅરિકેડ્સ તોડીને આગળ વધ્યા હતા એના કારણે નાસભાગ મચી હતી.

સાધુનું વિસ્ફોટક નિવેદન

મહાકુંભમાં આવેલા એક સાધુએ કહ્યું હતું કે ‘અહીં સવારે એક બસ આવી હતી અને એમાંથી ૧૫થી ૨૦ યુવાનો ઊતર્યા હતા. તેમણે આવીને તરત જ ધક્કામુક્કી શરૂ કરી હતી અને તેઓ લોકોને આગળ વધવા માટે જોર આપતા હતા. આના કારણે એક બૅરિકેડ તૂટી ગયું હતું અને પછી જોરદાર ધસારો થયો હતો. ભારે ધસારાના કારણે લોકો એકમેકની ઉપર પડવા લાગ્યા હતા અને તેથી નાસભાગ મચી હતી. આ કુંભને બદનામ કરવાનું કાવતરું છે.’

ઝુંસીમાં સાફસફાઈ સાંજે થઈ

ઝુંસીમાં નાસભાગ પછી સાફસફાઈનું કાર્ય ૧૨ કલાક બાદ સાંજે છ વાગ્યે શરૂ થયું હતું. બીજી દુર્ઘટના બની ત્યાં કપડાં, ચંપલ અને બૉટલોનો ઢગલો થયો હતો અને ટ્રૅક્ટરોની મદદથી એને સાફ કરવામાં આશરે પાંચથી છ કલાક લાગ્યા હતા. અહીં પણ માણસો કચડાઈને મર્યા હતા. લોકોએ કહ્યું હતું કે અહીં ઍમ્બ્યુલન્સને આવવાની જગ્યા નહોતી તેથી ઘાયલોને લઈ જવામાં પણ તકલીફ પડી હતી.

નાસભાગમાં સાસુ-વહુનાં મૃત્યુ

મૌની અમાવસ્યાએ પ્રયાગરાજમાં સંગમ તટે થયેલી નાસભાગમાં ઉત્તર પ્રદેશના જૌનપુરની સાસુ-વહુનાં મૃત્યુ થયાં હતાં. મહાકુંભમાં સ્નાન કરવા માટે જૌનપુર જિલ્લાના સાત જણ સોમવારે રવાના થયા હતા. સંગમ તટે તેઓ ઊભાં હતાં ત્યારે નાસભાગ થઈ હતી, જેમાં રામપત્તીદેવી અને રીતાદેવી ભીડમાં કચડાઈ ગયાં હતાં અને તેમનાં મૃત્યુ થયાં હતાં.

મહાકુંભ પરિસરમાં ફરી આગ લાગી, ૧૫ ટેન્ટ સળગી ગયા



પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રમાં સેક્ટર બાવીસની બહાર ચંપાગંજ ચૌકી વિસ્તારમાં ખુલ્લા વિસ્તારમાં ગઈ કાલે બપોરે આગ ફાટી નીકળતાં આશરે ૧૫ ટેન્ટ સળગી ગયા હતા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. અગ્નિશમન વિભાગે તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી. આ વિસ્તારમાં પાકા રોડ નહીં હોવાના કારણે મોટાં ફાયર એન્જિનો ઘટનાસ્થળ સુધી પહોંચી શક્યાં નહોતાં. ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે આગ ફાટી નીકળી હતી. મહાકુંભમાં થોડા દિવસ પહેલાં પણ આગ લાગી હતી.

kumbh mela prayagraj uttar pradesh religion religious places national news news