તમે હજી ૨૦૨૯માં જ અટક્યા છો, હું તો ૨૦૪૭ની તૈયારી કરી રહ્યો છું

18 March, 2024 08:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણીની તારીખો જાહેર થયા પછીના પહેલા જ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની ટકોરાબંધ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગયા બાદ પહેલી જ વાર એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અમે સશક્ત ભારતનું નિર્માણ કરીશું.

દિલ્હીમાં આયોજિત બે દિવસની ઇન્ડિયા ટુડે કૉન્કલેવના સમાપન કાર્યક્રમમાં શનિવારે રાત્રે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતી વખતે એવી ટકોર કરવામાં આવી કે પીએમ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે  તમે હજી ૨૦૨૯માં જ અટક્યા છો, હું તો ૨૦૪૭ની તૈયારી કરી રહ્યો છું. આમ કહેતાં જ ઉપસ્થિત શ્રોતાજનોએ મોદીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોમાં હું કોઈ હેડલાઇન આપું એવી અપેક્ષા રાખવામાં આવે છે, પણ હું ડેડલાઇનમાં કામ પૂરું કરવામાં માનનારો વ્યક્તિ છું.

સ્ટાર્ટઅપ્સ વિશે વાત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલાં દેશમાં માત્ર ૧૦૦ સ્ટાર્ટઅપ્સ હતાં, પણ આ સંખ્યા આજે ૧.૨૫ લાખ છે. આ સ્ટાર્ટઅપ્સ દેશના ૬૦૦ જિલ્લામાં છે અને એ દેશના ૯૦ ટકા વિસ્તારને આવરી લે છે.’

આગામી પાંચ વર્ષમાં દેશમાં રેલવે, સંરક્ષણ, માળખાકીય સુવિધા અને અવકાશી સંશોધન ક્ષેત્રે હરણફાળ ભરવામાં આવશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ તમામ સેક્ટરમાં અકલ્પનીય વિકાસ જોવા મળશે.

Lok Sabha Election 2024 Lok Sabha narendra modi bharatiya janata party indian politics national news