07 October, 2025 07:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
CJI બી.આર. ગવઈ, રાકેશ કિશોર
સોમવારે સવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈ પર ભરીઅદાલતમાં એક વકીલે હુમલો કર્યો હતો. ‘સનાતન કા અપમાન નહીં સહેંગે’ના નારા સાથે એક વકીલે ચીફ જસ્ટિસ ગવઈ તરફ જૂતું ફેંક્યું હતું. જોકે જૂતું છેક ન્યાયાધીશ સુધી પહોંચી શક્યું નહોતું. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ જૂતું ફેંકીને નારા લગાવનારા ઍડ્વોકેટ રાકેશ કિશોરને પકડી લીધો હતો. સુપ્રીમ કોર્ટમાં હાજર પોલીસે તરત જ રાકેશ કિશોરની ધરપકડ કરી હતી. આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે CJIની અધ્યક્ષતાની બેન્ચમાં કાર્યવાહી ચાલી રહી હતી. એ જ વખતે ઍડ્વોકેટ રાકેશ કિશોર જજના ડાયસ નજીક જઈને જૂતું ઉતારીને ફેંકવા ગયો હતો. તેને તરત જ સુરક્ષા દળોએ રોકી લીધો હતો.
ખજૂરાહોના જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિ બાબતે CJIએ કહ્યું હતું કે ‘જાઓ, તમારા ભગવાનને પ્રાર્થના કરો કે જાતે કરી લે.’ આ સંદર્ભે વકીલે ‘સનાતન કા અપમાન નહીં સહેંગે’ના નારા લગાવ્યા હતા.
આવી ઘટનાઓની મારા પર કોઈ અસર નથી થતી : CJI
આ ઘટના દરમ્યાન CJI બી. આર. ગવઈ શાંત બેસી રહ્યા હતા. વકીલને પોલીસ ત્યાંથી લઈ ગઈ એ પછી તેમણે અદાલતની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપતાં કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓની મારા પર કોઈ અસર નથી થતી.
સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષે આ ઘટના પર દુખ જતાવીને કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે CJIએ મોટું દિલ રાખીને વકીલને માફ કરી દીધો હતો અને અધિકારીઓને કહ્યું હતું કે આ કૃત્યને નજરઅંદાજ કરો.
આવા નિંદનીય કૃત્યનું સમાજમાં સ્થાન નથી : મોદી
આ ઘટના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ‘આજે સવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં ચીફ જસ્ટિસ પર થયેલા હુમલાથી દરેક ભારતીય નારાજ છે. આપણા સમાજમાં આવાં નિંદનીય કૃત્યોનું કોઈ સ્થાન નથી. આવી સ્થિતિમાં પણ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ જે ધૈર્ય દાખવ્યું છે એની હું સરાહના કરું છું. આ ન્યાયનાં મૂલ્યો પ્રતિ અને આપણા સંવિધાનની ભાવના મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’