જાણો કેમ કમલનાથે PM મોદીને કહ્યું- તમે દેશના PM છો નહીં કે ગુજરાતના

17 April, 2019 01:26 PM IST  |  નવી દિલ્હી

જાણો કેમ કમલનાથે PM મોદીને કહ્યું- તમે દેશના PM છો નહીં કે ગુજરાતના

કમલનાથે સાધ્યું PM મોદી પર નિશાન

મોસમે ભર ઉનાળે અચાનક એવી કરવટ બદલી કે દેશના અનેક રાજ્યોમાં તબાહીનો માહોલ નજર આવ્યો. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આંધી અને વીજળી પડવાથી અનેક લોકોના જીવ ચાલ્યા ગયા. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારજનોને શાંત્વના આપી. વડાપ્રધાન હોવાના નાતે તેમની પાસેથી આ જ આશા હતી, પરંતુ તેમના ટ્વીટમાં ગુજરાત શબ્દ હતો. જેને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મુદ્દો બનાવી દીધો.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, "ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનના કારણે અનેક લોકોના જીવ ચાલ્યા ગયા અને તેનાથી મને દુઃખ થયું. શોકમાં ડૂબેલા પરિવારો પ્રતિ સંવેદનાઓ. અધિકારીઓ હાલત પર નજર રાખી રહ્યા છે. પ્રભાવિત લોકોને મદદ કરવાના તમામ સંભવ પ્રયાસો થઈ રહ્યા છે." કારણ કે વરસાદના કારણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ અનેક લોકોનાં જીવ ગયા છે. એવામાં વડાપ્રધાન મોદીનું ટ્વીટ માત્ર ગુજરાતમાં જીવ ગુમાવનારા લોકોને સંબોધિત કરતું હોય તેવું લાગી રહ્યું હતું.

કમલનાથનો મોદી પર હુમલો
મધ્યપ્રદેશમાં વરસાદ અને તેની લાગતી સમસ્યાને કારણે 16 લોકોના જીવ ચાલ્યા ગયા છે. પીએમ મોદીના ટ્વીટ પર કમલનાથે પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું કે, 'મોદીજી, તમે દેશના પીએમ છો નહીં કે ગુજરાતના. એમપીમાં પણ કમોસમી વરસાદ અને તોફાનના કારણે વીજળી પડતા 10થી વધુ લોકોના મોત થયા છે. પરંતુ તમારી સંવેદનાઓ માત્ર ગુજરાત પ્રત્યે જ સીમિત? ભલે અહીં તમારી પાર્ટીની સરકાર ન હોય પરંતુ અહીં પણ લોકો વસે છે.'


PMOએ જાહેર કરી સહાય
જો કે, જલ્દી જ PMOની તરફથી વરસાદમાં જીવ ગુમાવનારા દેશભરના લોકો પ્રત્યે શોક સંદેશ જાહેર કરવામાં આવ્યો. PMOના અધિકારીર ટ્વિટ્ટર હેંડલ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું કે, 'વડાપ્રધાન મોદી કમોસમી વરસાદના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ક્ષેત્રોમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. તેનાથી પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.'


જે બાદ વધુ એક ટ્વીટમાં PMOએ લખ્યું કે, 'મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ અને તેની સાથે જોડાયેલી ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા રાહત કોશમાંથી 2 લાખનું વળતર આપવામાં આવશે. સાથે ઘાયલોને 50 હજારનું વળતર આપવામાં આવશે.'

આ પણ વાંચોઃ ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડાનો આતંક, PM મોદીએ કર્યું Tweet

કમલનાથનો શોક સંદેશ
મધ્યપ્રદેશમાં વરસાદના કારણે થયેલી સમસ્યાઓને લીધે જે લોકોનાં મોત થયા તેમના પ્રત્યે કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેઓ અને તેમની સરકાર દુઃખની આ ઘડીમાં પીડિત પરિવાર સાથે ઉભી છે. દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. એવામાં ચૂંટણીની મોસમમાં કઈ વાતને વિપક્ષ ઉછાળે અને તમારી સામે તેનો ઉપયોગ કરે તે કહી ન શકાય. વડાપ્રધાન મોદીએ માત્ર ગુજરાતનું નામ લઈને શોક સંદેશ કેમ લખ્યો એ વિશે કાંઈ કહી ન શકાય, પરંતુ તેના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

narendra modi Kamal Nath Loksabha 2019